પાટણના સંડેર ગામમાં પક્ષીઓનું 48 માળનું ‘એપાર્ટમેન્ટ’
શહેરીકરણ વધી રહ્યું હોવાથી પક્ષીઓની સંખ્યા લુપ્ત થઈ રહી હોવાની રાવ પક્ષીપ્રેમીઓ કરી રહ્યાં છે. જોકે પાટણ જિલ્લાના સંડેર ખાતે પક્ષીઓનો વસવાટ વધે તે હેતુથી શહેરી આવાસ યોજનાની જેમ પક્ષીઓ માટે પણ અનોખું એપાર્ટમેન્ટ ‘બહુમાળી ઘર’ તૈયાર કરવામાં આવ્યું છે. છ માળના એપાર્ટમેન્ટમાં લગભગ ૮૦૦થી વધુ ખાનાંમાં ૪૦૦૦થી વધુ પક્ષીઓ એકસાથે વસવાટ કરી શકે તેવી ક્ષમતા છે.સંડેર ખાતે આવેલા મસેશ્વર મહાદેવ મંદિરની નજીક બાલીસણા ગામના જીવદયાપ્રેમી રમેશભાઈ પટેલ દ્વારા મોરબીના રામ કબૂતર સેવા ટ્રસ્ટમાંથી પક્ષી વસાવવાના સિમેન્ટના બ્લોક (ઘર) લાવીને ૪૮ ફૂટ ઊંચું છ માળનું ટાવર બનાવવામાં આવ્યું છે. આ ટાવરના નિર્માણમાં પક્ષીઓને વરસાદ, તડકો કે કોઇ જાનવરથી તકલીફ ન થાય તે પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે. સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ને તેને તૈયાર કરવામાં બે માસનો સમય લાગ્યો છે.રમેશભાઈએ અગાઉ ત્રણેક લાખના ખર્ચે બાલીસણા ખાતે પક્ષીઓ માટેના આવા જ ટાવરનું નિર્માણ કરાવ્યું હતું. તેઓ કહે છે, “મને જીવદયામાં અનહદ આનંદ મળે છે.” અમદાવાદ જેવાં મેટ્રો શહેરોમાં પણ વિવિધ વિસ્તારમાં આવા પક્ષી આવાસો તૈયાર કરવામાં આવે તો પક્ષીઓનો વસવાટ વધી શકે ને પક્ષીઓને લુપ્ત થતાં બચાવી શકાય.