સચિવાલયના ગેટ પાસે પોલીસ માટે જંગે ચઢેલા યુવાને જાહેરમાં માથે ટકલું કરાવ્યું
ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ પાસે એક યુવાને અનોખી જીદ પકડી હતી. ગેટ નં 1 પાસે સોમવારે અમદાવાદના ઓઢવ વિસ્તારના એક યુવકે પોલીસ કર્મીઓના કામના ભારણ સહિતના મુદ્દાઓને લઈને મુંડન કરાવ્યું હતું. સૈનિક, પોલીસ, પત્રકાર અને મહેસુલ વિભાગના કર્મચારીઓ માટે લડત કરતા ઠાકોરે કહ્યું કે, દેશની ખરા અર્થમાં સેવા કરતા પોલીસ જવાનો પાસે મજુરની જેમ કામ કરાવાય છે. બિન કુશળ મજુર તરીકે બતાવીને સરકાર ઓછો પગાર આપે છે. જ્યારે પોલીસ દ્વારા લખવામાં આવેલી એફઆઇઆર પ્રમાણે કોર્ટમાં કેસ ચાલે છે. વધુમાં કહ્યું કે, મારા પરિવારમાં 5 ભાઇ અને બહેન છીએ, જ્યારે બે પુત્ર છે. પરંતુ મેં મારા પરિવારને કહી દીધુ છે કે, જો હું પોલીસને ન્યાય નહીં અપાવી શક્યો તો આત્મવિલોપન કરીશ. ગાંધીનગર શહેરની પોલીસ પાસે વીવીઆઇપી બંદોબસ્ત કરાવાય છે. રાત દિવસ રોડ વચ્ચે ભૂખ્યાને તરસ્યા થાંભલા જેવા ઉભા રહેવુ પડે છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં આરટીઆઇ કરી છે. પરંતુ આજ સુઘી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. પોલીસ કર્મચારીઓને બે બાળકો સુધી શિક્ષણ એલાઉન્સ આપવુ જોઇએ. પોલીસ કર્મચારીઓની પાસે 24 કલાક કામ કરાવાય છે. પરંતુ તેના પ્રમાણમાં પગાર આપવામાં આવતો નથી. જો પુરતો પગાર આપવામાં આવે તો ભ્રષ્ટ્રાચાર બિલકુલ થાય નહીં.