શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 22 ઑક્ટોબર 2016 (14:42 IST)

સાંસદોની સેવાને પણ શરમાવે તેવું આદર્શ ગામ, આખા ગામમાં પ્રાથમિક સુવિધાઓની સાથે આરસીસીના રસ્તા

મોરબી નજીક આવેલું ઘૂટું ગામ ભલે સાંસદ દ્વારા દત્તક લેવામાં આવ્યું ન હોય પરંતુ ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આ ગામને આદર્શ ગામ ચોક્કસ કહી સકાય કારણકે આખા ગામમાં આરસીસીના પાકા રસ્તાઓ છે. ઘૂટું ગામની વસ્તી ૧૨૦૦૦ આસપાસ છે અને સમયાન્તરે વિકાસ પામેલા આ ગામ આસપાસ હાલ સિરામિકના પણ અનેક એકમો કાર્યરત થઈ ચુક્યા છે જેથી યુવાનોને રોજગારીની તકો તો મળવા લાગી જ છે તો ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ સહિયારા પ્રયાસો કરતા ગામ આદર્શ ગામની વ્યાખ્યામાં ફીટ બેસે તેવું બની ગયું છે. નવા અને જુના ઘૂટું ગામમાં મળીને કુલ ૩૫ થી વધારે તો સિમેન્ટના પાકા રોડ છે એટલે કે ગામની દરેક ગલીઓમાં પાકા રસ્તા છે તો ગામને સ્ટેટ હાઈવે સાથે જોડતી બે પાકી ડામરની સડકો પણ બનાવવામાં આવી છે. ગામમાં ત્રણ પાણીની ટાંકીઓ ઉપરાંત પાણીનો સંપ પણ કાર્યરત હોવાથી અને ઘરે ઘરે નળ કનેક્શન હોવાથી મહિલાઓને પાણી માટે રઝળવું પડતું નથી.ઘૂટું ગામમાં ધોરણ ૧૨ સુધી શિક્ષણની પણ વ્યવસ્થા છે જેમાં ત્રણ પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાળકોને ગામમાં જ મળી રહે છે તો ગામમાં બાળકો માટે આંગણવાડી અને મેડીકલ સુવિધાઓ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડોક્ટર સહીત પાંચનો સ્ટાફ મેડીકલ સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે. ગ્રામજનોની જાગૃતિને પગલે ગામના ત્રણ તળાવો આસપાસ તેમજ ગામમાં વિવિધ સ્થળે વૃક્ષારોપણ પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.