રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગના દુકાનદારોને સ્વાઇપ મશીન વાપરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રેશનિંગની દુકાનના એસોસિએશનના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદભાઇ મોદી જ તેનો વિરોધ કરી રહ્યાં છે અને કેસલેસ સિસ્ટમ અપનાવવા માટે તેમણે એક શરત પણ મૂકી છે. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદીનું કહેવું છે કે, સરકાર બધા વ્યવહાર ઓનલાઇન અને કેસલેસ કરવા માંગે છે તેને અમે સપોર્ટ કરીએ છીએ. અમને સ્વાઇપ મશીન વાપરવામાં વાંધો નથી. પરંતુ દુકાનદારોને મળતું કમિશન ઓછું છે. તેમની આવકની પણ એક મર્યાદા છે. ત્યારે આ વધારોને ખર્ચ ભોગવવું કેવી રીતે? સરકાર સ્વાઇપ મશીનનો ખર્ચ ભોગવે અને ડિપોઝીટ આપવા તૈયાર હોય તો અમે તૈયાર છીએ. બાકી દુકાનદારોને પોસાય તેમ નથી. રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગના દુકાનદારોને સ્વાઇપ મશીન લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ મશીન માટેની ડિપોઝીટની રકમ અને તેનું ભાડું દુકાનદારને ભોગવવાનું રહેશે. તાજેતરમાં દુકાનદારો બાયોમેટ્રિક સિસ્ટમના કારણે કોમ્પ્યુટર અને પ્રિન્ટરનો ખર્ચ કરી ચૂક્યાં છે. આ જોતાં દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યાં છે.બીજુ બાજુ, દુકાનદારોની દલીલ છે કે રેશનિંગ પર મોટાભાગે ગરીબ લોકો આવતાં હોય છે. તેઓ કેસલેસ સિસ્ટમ અને ઓનલાઇન બેંકિંગ વ્યવહારથી માહિતગાર હોતાં નથી. મોટાભાગના લોકો પાસે તો ડેબિટ કાર્ડ પણ નથી. આવામાં તેમની સાથે કેસલેસ વ્યવહાર કેવી રીતે શક્ય છે? ઉપરાંત રેશિંગમાં રાહતદરે વસ્તુઓ અપાતી હોવાથી તેની કિંમત પણ ઘણી ઓછી હોય છે.