સપનાની નગરી મુંબઈમાં જ વસતા ગુજરાતી પરિવારનો આ દીકરો આજે ટેલિવૂડથી માંડીને વેબ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવવા તરફ અગ્રેસર છે. છેલ્લાં 17 વર્ષથી કલમનો કસબ જાણનારા રાહુલ પટેલની ગણના સિનેમા જગતના ભવિષ્યના નામી સ્ક્રીન રાઈટર તરીકે થઈ રહી છે. એમની કલમ રંગમંચથી લઈને રૂપેરી પરદા સુધી અને વેબ શોથી લઈને ટેલિવિઝન સુધી દરેક માધ્યમના અનુભવનો નિચોડ ધરાવે છે. તાજેતરમાં રાહુલ પટેલ ચર્ચામાં છે તેમના અલ્ટબાલાજી પર પ્રસારિત નવા શૉ ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટી માટે. આ શૉએ અને એના સ્ક્રીન પ્લેએ ખાસ્સી ચર્ચા જગાવી છે. અલ્ટબાલાજી અત્યારે ઝડપથી લોકપ્રિય થઈ રહેલી એપ્લિકેશન છે જે બાલાજી ટેલિફિલ્મ્સનું જ સાહસ છે.
તેમાંય દેશના બહુચર્ચિત કોર્ટ કેસ પર આધારિત શો ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટીને મળેલી સફળતામાં શૉની રાઈટિંગ સ્કીલને વખાણવામાં આવી રહી છે. ત્યારે ક્રેડિટ ગોઝ ટૂ રાહુલ પટેલ. રાહુલ પટેલની કલમ ખુબ જ ઝડપથી જ અલગ અલગ માધ્યમોમાં પોતાની ઓળખાણ બનાવી રહી છે. વર્ષ 2008માં અત્યંત રોચક વાર્તા ધરાવતી એક્સિડેન્ટ ઓન અ હિલ રોડને પણ રાહુલ પટેલે જ લખી હતી. જ્યારે 2017માં નેશનલ એવોર્ડ વિજેતા એનિમેશન ફિલ્મ મહાયોદ્ધા રામના સંવાદો પણ રાહુલ પટેલે લખ્યા હતાં. તેમની લખેલી બે મૂવીઝ સોલિડ પટેલ અને વેડિંગ પુલાવ રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે અન્ય એક મૂવી લે લે મેરી જાનનું પ્રાઈમરીશૂટિંગ પૂર્ણ થયું છે.
શા માટે મૂળ ગુજરાતી રાહુલ પટેલ આજે ઓન ડીમાન્ડ રાઈટર છે તે જાણવા માટે તેમણે અજમાવેલા કલમના કસબ તરફ નજર નાખવી જ રહી તો. આજે ઘરમાં ઘરમાં જાણીતા બિગબોસની પહેલી સિઝનમાં રાહુલ પટેલની કલમ ચાલી હતી તો આજે બિગ બોસ 13ના સુપરહોસ્ટ સલમાન ખાનની દસ કા દમમાં પણ તેમની જ કલમનો જાદૂ ચાલ્યો હતો. રાહુલ પટેલના નામે સૌથી જાણીતા ટીવી શૉ જોવા જઈએ તો તેમનું નામ ક્યુકી સાસ ભી કભી બહુથી સાથે પણ જોડાયેલું છે.
આ ઉપરાંત સાવધાન ઈન્ડિયા, ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શૉ, ગુમરાહ, સંજોગ સે બની સંગીની, કાલી એક અગ્નિ પરીક્ષા, ઈમોશનલ અત્યાચાર, યેય ઈટ્સ ફ્રાઈડે સહિતના અનેક જાણીતા બનેલા ટેલિવિઝન શૉ માટે તેમણે સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે બિન્દાસ પર પ્રસારિત થયેલી પ્યાર તૂને ક્યા કિયા,બિગ મેજિક પર આવેલી પ્યાર, મેજીક, શ.., સબ ટીવી પરની પોલીસ ફેક્ટરી, બિગ મેજિક પરની પોલીસ ફાઈલ્સ, એનડીટીવી ઈમેજિન પર પ્રસારિત ઘર કી બાત હૈ, એનડીટીવી ઈમેજન પર જ આવેલી શેખર સુમનને ચમકાવતી સ્ટીલ મૂવિંગ સ્ટીલ શેકિંગ સ્ટાર વન પર પ્રસારિત થયેલી રણવીર, વિનય ઓર કૌન, આજ તક પર પ્રસારિત થયેલી રાજુ શ્રીવાસ્તવને ચમકાવતી ઐસી કી તૈસી સહિત અનેક સિરિઝ કે ટીવી શૉ માટે પોતાની કલમ અજમાવી. તો ઈન્ટરનેટ પર ખાસ્સો પોપ્યુલર થયેલો કોમેડી શૉ જય હિન્દ પણ તેમણે લખ્યો. આટલું જ નહીં તેમણે લાઈવ શો કે ઈવેન્ટ માટે પણ પોતાની
કલમનું તેજ પ્રસરાવ્યું. તેમણે સ્ટાર પ્લસના સ્ટાર પરિવાર, બિગ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્ઝ અને કલર્સ પર પ્રસારિત થયેલા આઈટા એવોર્ડ્ઝ તેમજ એરટેલ એવોર્ડ્ઝ માટે પણ સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યું. તેમણે બે ગુજરાતી નાટકો પણ લખ્યાં છે. જેમાં ડાયાભાઈ દોઢ ડાહ્યા અને સાત તરી એકવીસની ત્રીજી સિઝનનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ તેમણે લખેલી અન્ય કેટલીક નોંધપાત્ર ટેલિવિઝન સિરીઝની વાત કરીએ તો ડિસ્કવરી જીત પર આવતી બાબા રામદેવ અને શાદી જાસૂસ લખી ચૂક્યાં છે જ્યારે સબ ટીવી પરની સાત ફેરો કી હેરાફેરી પણ તેમણે જ લખી છે. જ્યારે સબ ટીવીની વધુ એક સિરીઝ બાવલે ઉતાવલેમાં તેમની કલમનો કસબ જોવા મળે છે. જ્યારે દેશના સૌપ્રથમ ઈન્ટરનેટ શો, ધ લેટનાઈટ કોમેડી શોમાં પણ સ્ક્રીન રાઈટર તરીકે રાહુલ પટેલનું નામ છે. આમ ટેલિવિઝન અને વેબસિરીઝમાં રાહુલ પટેલની કસાયેલી કલમનો રસાસ્વાદ દર્શકો માણી ચૂક્યાં છે. તેમની લેખન શૈલીને બોલિવૂડ, ટેલિવૂડ અને વેબ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ પણ આવકાર આપ્યો છે. હાલમાં તેઓ ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટીથી ચર્ચામાં છે.
રાહુલ પટેલની લેખનની સફર કેવી રીતે શરૂ થઈ એવો સવાલ થવો સ્વાભાવિક છે તો રાહુલના માતા શિક્ષિકા અને પિતા હીરાના કારીગર, પરિવારમાં કોઈનું ફિલ્મ કે નાટક તો શું લેખન સાથે પણ દૂર દૂરથી જોડાણ નહોતું પણ વિધાતાએ રાહુલ માટે અલગ જ વિધાન લખ્યું હતું. 19 વર્ષની ઉંમરે ઈન્ટરકોલેજ નાટકમાં રાહુલે ભાગ લીધો. ચીલો પારસી નામના નાટકમાં નાનકડી ભૂમિકા ભજવી. એ નાટકને શ્રેષ્ઠ નાટ્યનું ઈનામ પણ મળ્યું. અને એ સાથે જ રંગમંચ સાથે રાહુલની કિસ્મત જોડાઈ ગઈ. બે જ સપ્તાહમાં એક કમર્શિયલ નાટકમાં કામ મળ્યું.
અનાજની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કરતા રાહુલે શૉર્ટ સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું અને 1999માં ફીરોઝ ભગત સાથે બ્લાઈન્ડ ગેઇમ નામના નાટકમાં કામ મળ્યું. એ પછી રાહુલે ક્યારેય પાછું ફરીને ન જોયું. એ સમયે બાલાજી ટેલિફિલ્મના વિવિધ શોને ઘણી ખ્યાતિ મળી રહી હતી. ગુજરાતી નાટક ઈન્ડસ્ટ્રીના બે ડિરેક્ટર રાજેશ જોશી અને વિપુલ મહેતા પણ બાલાજી ટેલિફિલ્મની કોશિશ એક આશા અને ક્યુકી સાંસ ભી કભી બહુથી કરી રહ્યાં હતાં
જેમની સાથે રાહુલ પણ આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગયા. ત્યારપછી તેમણે બે વર્ષ સુધી બાલાજી ટેલિફિલ્મ્સ માટે કામ કર્યું. તે પછી નોન ફીક્શન શૉ લખવાનું પણ ચાલુ કર્યું. ત્યારથી આજ સુધી રાહુલ પટેલની કલમની ગાડી સડસડાટ દોડી રહી છે. રાહુલ પટેલની પ્રતિભાવાન કલમથી અનેક વેબસિરિઝ અને મૂવીઝ આવનારા સમયમાં લખાવાની છે તેમાં કોઈ બેમત નથી. ત્યારે ગુજરાતી રાહુલ પટેલની કલમ ડ્રામાથી માંડીને વેબસિરીઝ અને ટેલિવૂડથી માંડીને બોલિવૂડ સુધીના માધ્યમોમાં પોતાની અલગ ઓળખ બનાવી રહી છે.