શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (11:53 IST)

નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ "હેલ્લારો"નું ટ્રેલર લોન્ચ થયું

'66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા ઘોષિત થયેલ ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" નું  10મી ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે ટ્રેલર લોન્ચ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ફિલ્મના નિર્માતા, નિર્દેશક, ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પણ હાજરી આપી હતી. સારથી  પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત  "હેલ્લારો" ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 12 અભિનેત્રીઓને સાર્વત્રિક રીતે સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એકટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ બંને એવોર્ડ જીતનાર હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે. IFFIના જ્યુરીએ આ નવેમ્બર, 2019માં ગોવામાં યોજાનારા ભારતના 50 માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઓપનિંગ ફિલ્મ તરીકે "હેલ્લારો" ની પસંદગી કરી છે. આ ફિલ્મ 8 નવેમ્બર 2019ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

હેલ્લારો એ એક પિરીયડ ડ્રામા જે ગુજરાતના લોક-નૃત્ય સ્વરૂપ, ગરબા પર આધારિત છે, આ વાર્તામાં 12 થી વધુ અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ-અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કચ્છના 'કુરાન' ગામના વિશાળ રણની મધ્યમાં આ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે, જે ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પર ગુજરાતનું છેલ્લું ગામ છે. ઉપરાંત આ ફિલ્મમાં 1975ના સમયની કચ્છી સંસ્કૃતિ, ત્યાંના લોકોનો આબેહૂબ પરિવેશ અને પહેરવેશ જોવા મળશે. આ ફિલ્મમાં ૩૦૦ થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ એટલેકે ફિલ્મનાં કોસ્ચુમ તૈયાર કરવામાં આવ્યા છે તથા આ ફિલ્મનું શુટિંગ ગયા વર્ષે ઉનાળામાં ૩૫ દિવસ સુધી કચ્છમાં કરવામાં આવ્યું હતું.
ફિલ્મના નિર્દેશક અભિષેક શાહ ગુજરાતી ફિલ્મોના જાણીતા કાસ્ટીંગ ડિરેક્ટર છે અને ઘણા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે. તેઓએ ફિલ્મને એવોર્ડ મળ્યા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, " જયારે હું ફિલ્મની વાર્તા વિષે વિચારતો હતો ત્યારે શરદપૂનમ ચાલતી હતી અને વાર્તાની પૃષ્ઠભૂમિ આપણું લોકનૃત્ય ગરબા જ હતું એટલે આ ફિલ્મ  બનવવાનો વિચાર હકીકતમાં પરિણમ્યો." આ ફિલ્મમાં અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સહીત 12 મહિલા કલાકારો અને જયેશ મોરે તથા આર્જવ ત્રિવેદી મુખ્ય અભિનેતાઓ છે. હિન્દી ફિલ્મ "102 નોટ આઉટ" ના લેખક સૌમ્ય જોશી આ ફિલ્મના સંવાદ લેખક અને ગીતકાર છે. ફિલ્મનું  સંગીત મેહુલ સુરતીનું છે.