IPL 2025 નો નવો શેડ્યૂલ જાહેર, 6 મેદાનોમાં રમાશે 17 મેચ, જુઓ ફાઈનલની નવી તારીખ
New IPL 2025 Schedule : IPL 2025નું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની બાકીની મેચો માટે 6 મેદાન પસંદ કરવામાં આવ્યા છે. નવા શેડ્યૂલ મુજબ, હજુ 17 મેચ બાકી છે અને ફાઇનલ મેચની નવી તારીખ (IPL 2025 Final Date) પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જાહેરાત કરી છે કે બાકીની મેચો 17 મેથી શરૂ થશે, જ્યારે ફાઇનલ 3 જૂને રમાશે.
સરકાર, સુરક્ષા એજન્સીઓ અને તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી, BCCI એ 17 મેથી ટુર્નામેન્ટ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નવા સમયપત્રકમાં, બે દિવસે બે મેચ રમાશે, જેના માટે રવિવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ટુર્નામેન્ટ ફરી શરૂ થશે, ત્યારે પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગલુરુમાં રમાશે. બાકીની 17 મેચો માટે પસંદ કરાયેલા શહેરોમાં જયપુર, બેંગલુરુ, લખનૌ, દિલ્હી, મુંબઈ અને અમદાવાદનો સમાવેશ થાય છે.
પ્લેઓફ મેચ ક્યારે શરૂ થશે?
મૂળ સમયપત્રક મુજબ, પ્લેઓફ સ્ટેજ 20 મેથી શરૂ થવાનો હતો. હવે નવા સમયપત્રક મુજબ, પ્લેઓફ સ્ટેજ 29 મેથી શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર 29 મેના રોજ રમાશે. એલિમિનેટર મેચ ૩૦ મેના રોજ, બીજી ક્વોલિફાયર મેચ ૧ જૂનના રોજ અને ફાઇનલ મેચ ૩ જૂનના રોજ રમાશે. પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે.
લીગ સ્ટેજની છેલ્લી મેચ 27 મેના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં RCB અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. રવિવાર, 18 મે ના રોજ બે મેચ રમાશે. દિવસના સમયે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ અને સાંજના મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાશે.
IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી
8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રમાઈ રહી હતી, જે સુરક્ષાના કારણોસર રદ કરવામાં આવી હતી. ત્યારબાદ તરત જ BCCI એ ખુલાસો કર્યો કે ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી રહી છે.