6 માર્ચ પછીના મોદી અને રૂપાણીના કાર્યક્રમો રદ થતાં હવે માર્ચમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે
વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અને ખાસ કરીને રાજ્યના નેતાઓના કાર્યક્રમો અંગે મળતી માહિતી પ્રમાણે આવનારી 7 માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન મેના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે. પીએમના બે દિવસીય ગુજરાત પ્રવાસ બાદ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ગુજરાત સરકારે 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થવાની શક્યતાને લઈ 6 માર્ચે મહાત્મા મંદિરમાં યોજાનારા પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને સામૂહિક ગૃહ પ્રવેશના કાર્યક્રમ પછીના જાહેર અને સરકારી કાર્યક્રમો હાલ અટકાવી દીધા છે. 2014ની જેમ મેના અંતમાં નવી સરકારની શપથવિધિ યોજાશે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 2014ની 26 મેના રોજ શપથ લીધા હતા. આમ આ સરકારનો કાર્યકાળ મેમાં પુરો થઈ જશે. જેથી નવી સરકાર પણ મેના અંત સુધીમાં બની જવી જરૂરી હોવાથી 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થશે. 2014માં 5 માર્ચના રોજ ચૂંટણી જાહેર થઈ હતી. પરંતુ 5 અને 6 માર્ચ સુધી પીએમ ગુજરાત અને તમિલનાડુના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમના આ નિર્ધારિત કાર્યક્રમો બાદ ચૂંટણી જાહેર થશે. 2014માં 5મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ હતી અને ગુજરાતમાં 30 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. આમ જો હવે 7 માર્ચે ચૂંટણી જાહેર થાય તો ગુજરાતમાં 2મેના રોજ મતદાન યોજાઈ શકે છે.