શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : મંગળવાર, 21 મે 2024 (09:10 IST)

Phalodi Satta Bazar - ભાજપ ગુજરાતમાં કેટલી બેઠક જીતશે? શું કહે છે સટ્ટા બજાર

Modi Congress
લોકસભાની ચૂંટણીમાં કઇ બેઠક પર કોણ જીતશે અને કોને કેટલી લીડ મળશે આવા મુદ્દે લોકો કરોડો રૂપિયાનો ઓનલાઇન સટ્ટો રમી રહ્યા છે.કોઈપણ ચૂંટણીના મતદાન પછી સટ્ટાના ભાવ ખૂલે છે અને કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાય છે. આ વખતે ક્ષત્રિય આંદોલનના કારણે લોકસભાની ચૂંટણી ભારે રસપ્રદ બની હતી. ગુજરાતમાં સટ્ટા પર પ્રતિબંધ છે પણ ખાનગીમાં સીટ અને ઉમેદવારોના ભાવ બોલાઇ રહ્યા છે. 
 
હાલમાં ઘણી એપ્લિકેશન પર આવો સટ્ટો રમાય છે. આ સટ્ટો ઓનલાઇન હોય છે. આ એપ્લિકેશનમાં મોટા બુકીઓ રજિસ્ટર થયેલા હોય છે. જે લોકો સટ્ટો રમવા માગતા હોય તેમણે આવી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરી એકાઉન્ટ ખોલાવવું પડે છે અને અલગ અલગ આઇડી બનાવવા પડે છે. આવા આઇડીના આધારે જ એપ્લિકેશન કામ કરે છે. રજિસ્ટ્રેશન થયા પછી જ તે લોકો ભાવ લગાડી શકે છે. આ અગાઉ ફ્લોદી સટ્ટાબજાર દ્વારા ગુજરાતમાં ભાજપને 26 બેઠકો પર વિજય થતો હોવાનું અનુમાન કરાયું હતું. પરંતુ હવે જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ સટ્ટામાં પણ બદલાવ આવી રહ્યો છે. 
 
ગુજરાતમાં આ વખતે થયેલા ઓછા મતદાન વચ્ચે બુકી બજારે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, જામનગર, પાટણ, બનાસકાંઠા અને આણંદ એમ કુલ 9 બેઠકના ભાવ ખોલ્યા છે. આ 9 બેઠક એવી છે જેના પર કોંગ્રેસ અને ક્ષત્રિયોએ દાવા કર્યા હતા. આ બેઠક પર ભાજપને નુકસાન થવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ફ્લોદી સટ્ટાબજાર ભલે NDAની બેઠકો ઘટશે તેવું અનુમાન લગાવી રહ્યું હોય પણ સૌરાષ્ટ્રનું સટ્ટાબજાર ભાજપને વન વે જિતાડી રહ્યું છે. સૌરાષ્ટ્રનું સટ્ટાબજાર ભાજપને ફેવરિટ ગણાવી રહ્યું છે. જેમ ભાવ ઓછા તેમ ઉમેદવાર ફેવરિટ અને જેમ ભાવ વધુ તેમ ઉમેદવાર ઓછો ફેવરિટ છે. ગુજરાતમાં અમુક સીટો પર લીડના ભાવ પણ ખોલવામાં આવ્યા છે. તેમાં અમિત શાહ અને સી.આર.પાટીલની બેઠકનો પણ સમાવેશ થાય છે.પાટીલ અને અમિત શાહની બેઠક પર પાંચ લાખની લીડની શક્યતા બુકીઓ જોઇ રહ્યા છે. જેમાં 15 પૈસા ભાવ ખોલ્યો છે એટલે કે એક લાખ લગાવો તો 15 હજાર મળે. પાટીલને પાંચ લાખની લીડ મળે તો પૈસા લગાડનારને 15 હજારનો નફો મળે. એ જ રીતે વડોદરામાં ત્રણ લાખની લીડ માટે 15 પૈસા અને કચ્છમાં બે લાખની લીડ માટે 15 પૈસાનો ભાવ છે.