ગુજરાતમાં મોદી વિરૂધ્ધ કોંગ્રેસ !

W.D

દેશમાં ચાલી રહેલા ચૂંટણી માહોલમાં ગુજરાતની સ્થિતિ કેટલીક રીતે અલગ છે.અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષો વચ્ચે કે બે પ્રતિસ્પર્ધી ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાય છે. જ્યારે ગુજરાતમાં મોદી વિરૂધ્ધમાં વચ્ચે મેદાને જંગ જામે છે.

વિધાનસભામાં છેલ્લી પાંચ ટર્મથી ભાજપનો દબદબો છે. એમાંય મોદીના આવ્યા પછી તો જાણે કે ચિત્ર જ બદલાઇ ગયું છે. રાજ્યમાં ચૂંટણી ગમે તે હોય, કમળમાં તો માત્ર એક જ ચહેરો ઉપસી આવે છે અને તે છે નરેન્દ્ર મોદી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસનો પુરો પંજો છે છતાં કમળની પાંખડીઓને મસળવી તેમના માટે આસાન નથી.

વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં રાજ્યની 26 બેઠકો પૈકી ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. આ વખતે પણ મોદીત્વનું રોલર રાજ્યમાં ફરી રહ્યું છે. જોકે સામે પક્ષે રાહુલ ગાંધીની મુલાકાતોથી રાજ્યમાં ખાસ્સો યુવા વર્ગ કોંગ્રેસ તરફી થઇ રહ્યો છે એનો લાભ કોંગ્રેસને મળે એમ છે. પરંતુ કોંગ્રેસની જુથબંધીનું કંઇ કહેવાય નહીં. ગમે તે ઘડીએ ચાલતા જહાજને ડૂબાડી શકે એમ છે.

સટ્ટા બજારમાં પણ હોટ ચાલી રહ્યું છે ત્યાં સરકારી એજન્સી દ્વારા કરાયેલા સર્વેક્ષણ મુજબ રાજ્યમાં સ્થિતિ બરોબરની ચાલી રહી છે. આઠ બેઠકો ઉપર ભાજપ તથા છ બેઠકો ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ છે તો 12 બેઠકો ઉપર ટાંકાની ટક્કર છે.

અમદાવાદ પૂર્વ, ગાંધીનગર, જામનગર, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા અને રાજકોટની બેઠકો ઉપર કમળ ખીલી રહ્યું છે તો મહેસાણા, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, વ્યારા તથા પોરબંદરની બેઠકો પંજામાં સમાઇ રહી છે.

આ સિવાયની અમદાવાદ પશ્વિમ, અમરેલી, ભાવનગર, ખેડા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, વલસાડ, પાટણ, દાહોદ, જુનાગઢ તથા કચ્છની બેઠક ઉપર કાંટાનો જંગ ખેલાઇ રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે.
હરેશ સુથાર|


આ પણ વાંચો :