ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By હરેશ સુથાર|

આમની પાસે છે પારસમણી !

રાજનેતાઓની તળિયે રહેલી મિલકત પાંચ વર્ષના ગાળામાં આસમાને પહોંચી છે. વર્ષ 2004ની ચૂંટણીમાં પોતાના સોંગધનામામાં રજુ કરેલી મિલક્ત અને વર્ષ 2009ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતાં આ રાજનેતાઓની મિલકતમાં રાત દિવસનો તફાવત જોવા મળે છે.      
પારસમણીની વાર્તાઓ મોટાભાગનાએ સાંભળી હશે, પરંતુ કોઇ એમ કહે કે મારી પાસે પારસમણી છે, તો આપણે કહીએ ભાઇ, રહેવા દેને ગપ્પા મારવાનું, સવારનું કોઇ મળ્યું નથી ? પરંતું અહીં આપણે લોકસેવાની વાતો કરતા એવા મહાશયોની વાત કરવાની છે કે જેમની પાસે સાચે જ પારસમણી છે. પાંચ વર્ષના ટુંકા ગાળામાં આ મહાશયોએ પોતાની મિલકતમાં કરેલો વધારો જોઇ એમ કહેવું પણ મુશ્કેલ છે કે, એમણે લોકસેવા માટે સમય ક્યારે કાઢ્યો હશે !!!

કોણ કહે છે કે આપણા નેતાઓ અંગૂઠા છાપ છે. તેમનો વિકાસ જોઇ ભલ ભલા મોંઢામાં આંગળા નાંખી જાય એમ છે. એક રૂપિયાના સો કેમ કરવા એ એમના પાસેથી જ શીખવા જેવું છે. આજની સમયમાં બેંકો પણ નાણાં બમણાં કરવા માટે સાડા સાત વર્ષનો સમય લે છે ત્યાં લોકસેવાનું કામ કરતા આપણા નેતાઓએ તેમની પાસે રહેલા પારસમણીના સ્પર્શથી મૂડીને તળિયેથી આસમાને પહોંચાડી છે. મહેનતકશ લોકોને પણ જ્યાં કમાણી કરવા આકરૂ પડી જાય છે ત્યાં નેતાઓ પોતાની આવડતથી લાખપતિમાંથી કરોડપતિ બની રહ્યા છે.

રાજનેતાઓની તળિયે રહેલી મિલકત પાંચ વર્ષના ગાળામાં આસમાને પહોંચી છે. વર્ષ 2004ની ચૂંટણીમાં પોતાના સોંગધનામામાં રજુ કરેલી મિલક્ત અને વર્ષ 2009ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતાં આ રાજનેતાઓની મિલકતમાં રાત દિવસનો તફાવત જોવા મળે છે. તેમની મિલક્તો પાંચ વર્ષમાં અધધ....કહી શકાય એવી વધી છે.

સૌથી વધુ વધારો ભોળાભાઇ પટેલની મિલકતમાં જોવા મળે છે. પાંચ વર્ષ અગાઉ તેમની મિલકત 9.09 લાખ હતી જે આજે 331 લાખ થઇ છે. એટલે કે એમની મિલકત 36 ગણી વધી છે. બીજા ક્રમે છે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોંલકીની મિલકતમાં 31 ગણો વધારો થયો છે. વર્ષ 2004માં તેમની મિલક્ત 9.96 લાખ હતી જે આજે 309 લાખે પહોંચી છે.

ખેડાના દિનશા પટેલની મિલક્તમાં આઠ ગણો વધારો થયો છે. તેમની મિલકત 230 લાખે પહોંચી છે જે 2004માં માત્ર 27 લાખ હતી. વડોદરાના સત્યજીત ગાયકવાડની મિલકત સાત ગણી વધી છે. 53.78 લાખની તેમની મિલકત 395 લાખ થઇ છે. પોતાની મિલક્તમાં સરસ રીતે વધારો કરી જાણતા આપણા નેતાઓ જો લોકોના વિકાસમાં રસ લે તો રામ રાજ્ય સ્થપાય એમાં કોઇ શક નથી.

લોકસભા ઉમેદવારોની કમાણી (રૂ. લાખમાં)
ઉમેદવાર 2004 2009 વધાર
ભોળાભાઇ પટેલ 9.09 331.00 36 ગણો
ભરતસિંહ સોલંકી 9.96 309.00 31 ગણો
દિનશા પટેલ 27.77 230.00 8 ગણો
સત્યજીત ગાયકવાડ 53.78 395.00 7 ગણો
વિઠ્ઠલ રાદડીયા 73.43 206.00 5 ગણો
સોમાભાઇ પટેલ 40.53 186.00 4 ગણો
નારાયણભાઇ રાઠવા 31.23 124.00 4 ગણો
વિક્રમ માડમ 49.39 155.00 3 ગણો
મધુસુદન મિસ્ત્રી 18.26 70.41 3 ગણો
એલકે અડવાણી 129.00 354.00 2 ગણો
હરિભાઇ પટેલ 65.79 105.00 બે ગણો
જીવાભાઇ પટેલ 352.00 577.00 2 ગણો
જશુભાઇ બારડ 184.00 256.00 દોઢ ગણો
હરિન પાઠક 101.00 134.00 અડધો