ગાડા ફરી જીવંત થશે !! એક દિવસ લોકો ફરી ગામડાંઓમાં આવીને વસશે..આ કાળક્રમ છે

village
Last Modified સોમવાર, 21 ડિસેમ્બર 2015 (16:12 IST)
શરૂઆતમાં જયાં જીવન જીવવું અનુકુળ લાગે છે, ત્યાં માણસોનો એક નાનો સમૂહ એકઠો થઇને વસવા લાગે છે. પછી ત્યાં જીવન વિકાસને અનુકુળ પરિબળો જેવા કે હવા, પાણી, ખોરાક, સલામતી તથા વેપાર-ધંધા, ખેતી, ઉદ્યોગ વગેરે બહ સારા છે એવું લાગે, તો તે સ્થળે વધુને વધુ માણસો વસવા લાગે છે અને આવા વસવાટો મોટા બનતા જાય છે જેને આપણે શહેર કહીએ છીએ. આમ શહેરો, આકસ્મિક રીતે વસતાં નથી પરંતુ કોઇને કોઇ અનુકુળતાને લીધે વસતા હોય છે. ટોકિયો, ન્યુયોર્ક, લંડન, મુંબઇ અને કલકત્તા જેવા શહેરો દિવસેને દિવસે મોટા થતાં જાય છે તેનું કારણ આ જ છે.
આપણે ત્યાં ગુજરાતના અમદાવાદ શહેરમાં હવે સાબરમતી નદીના પટમાં સરકાર દ્વારા નર્મદા નદીનું પાણી ઠાલવીને નદીને ભરી દેવામાં આવે છે. આમ હવે અહીં પાણીની કોઇ સમસ્યા રહી નથી. હાલમાં કોમી તોફાનો પણ થતાં નથી. વળી અહીં પોપ્યુલેશન, વેપાર-ધંધા અને ઉદ્યોગો તો છે જ. જો સરકાર કાયમ માટે અમદાવાદમાં આવી શાંતિ અને સલામતી જાળવી શકે તો અમદાવાદનો વિકાસ થતાં અને તેને બીજું મુંબઇ શહેર બનતાં વાર નહીં લાગે.
ઇંગ્લેન્ડમાં બર્મિંગહામ અને ભારતમાં જમશેદપુર, ભિલાઇ તથા રકેલા જેવા શહેરો ઔદ્યોગિક કેન્દ્રો હોવાને કારણે વિકસ્યા છે. ગુજરાતનું સુરત શહેર પણ હીરાઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું હોય દિવસેને દિવસે મોટું થતું જાય છે. સુરત પણ એક દિવસે મુંબઇની બરાબરી કરશે. સુરતમાં પાણી પણ ખૂબ છે. બંદરના શહેરો પણ વિકસે છે. રાજુલા પાસે પીપાવાવ પણ ભવિષ્યમાં મુંબઇની બરાબરી કરે તો ના નહીં.
દેશ કે રાજ્યની મધ્યમાં આવેલા સ્થળો રાજધાની બનતાં હોય છે અને આવા સ્થળો ખૂબજ ઝડપથી શહેર તરીકે વિકસતાં હોય છે. અમુક સ્થળોએ વસવાટ કરવો સલામતીની દષ્ટિએ ઘણું જ સારું રહેતું હોય છે કારણ કે પોતાના જાનમાલનું અને સમૃધ્ધિનું રક્ષણ થાય એવું લોકો સ્વાભાવિકપણે જ ઇચ્છતાં હોય છે તેથી આવા સ્થળોએ મોટા વસવાટો (શહેરો) થાય છે.

દા.ત. અફઘાનિસ્તાનનું કાબૂલ ચારેબાજુ ગિરિમાળાઓની વચ્ચે ખીણમાં વસેલું શહેર છે. શ્રીરંગમ અને તિચિપલ્લી જેવા શહેરો ટાપુઓમાં વસેલા શહેરો છે. પેરિસ સૌ પ્રથમ સીન નદીના ટાપુ ઉપર જ વસેલું. માત્ર શહેરની કયાં વાત કરવી, આપણું આખું રાષ્ટ્ર ઉત્તરે આવેલી હિમાયલની ગિરિમાળાઓની આડમાં વસેલું છે કારણ કે હિમાલય આપણી આખી ઉત્તર સરહદને રક્ષણ પુરું પાડતો હતો, વળી આપણી બીજી ત્રણ બાજુએ દરિયો હતો.
કેટલાંક શહેરો પહાડમાંથી મેદાનમાં આવતાં પ્રવેશદ્વાર ઉપર વસતા હોય છે જેમકે દાર્જિંલીંગ, મધ્યપ્રદેશનું ખંડવા અને ગુજરાતનું જૂનાગઢ, ગિરનાર પહાડ પણ છે અને તીર્થ પણ છે જેની તળેટીમાં વસેલા જૂનાગઢનો વિસ્તાર દિવસેને દિવસે વધતો જાય છે અને તેનો હજુ વધુ વિકાસ પણ થશે.

હવા ખાવાના સ્થળોએ પણ કેટલાંક શહેરો વિકસે છે, જેમકે ઇંગ્લાન્ડનું બ્રાઇટન ફ્રાન્સનું નીસ તથા આપણું મહાબળેશ્ર્વર.
જો કે માત્ર હવા ખાવાથી ચાલતું નથી. પાણી જીવનનું મુખ્ય પરિબળ છે. ખેતી પણ પાણી ઉપર જ નભે છે અને વેપાર-ધંધા, ઉદ્યોગ જેવા શહેર-વિકાસના પરિબળો પાણી વિના પાંગળા થઇ જાય છે. તેથી જ નદીઓના કાંઠે, નદીઓના સંગમ ઉપર નદીઓ પર્વતોમાંથી બહાર નીકળે છે ત્યાં અને નદીઓના મુખત્રિકોણ જયાંથી શ થાય છે ત્યાં મોટા શહેરો વસતા હોય છે. આપણા કાનપુર અને આગ્રા જેવા શહેરો નદી કિનારે જ વસેલા છે ને ?
ભારતમાં તો નાની-મોટી નદીઓના કાંઠે અનેક શહેરો જ નહીં, ગામડાંઓ પણ મોટી સંખ્યામાં વસેલા છે. મુંબઇ જેવા મોટા શહેરોમાં વરસાદ જયાં સુધી પુરતો પડે છે અને ત્યાંના લોકોને પાણી જર પુરતું મળી રહે છે, ત્યાં સુધી આવા શહેરો ટકી રહેવાના છે અને ત્યાં ધંધા-રોજગારીની તકો પણ પુષ્કળ હોઇ ગામડાઓમાંથી પણ આવા શહેરો તરફ લોકોનો પ્રવાહ ચાલુ રહેવાનો છે, પરંતુ વિશ્ર્વના બદલાતા હવામાનમાં જો ચેરાપૂંજીની માફક આવા શહેરોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે તો પાણી આધારિત ઉદ્યોગો પણ મુશ્કેલીમાં આવશે અને લોકોને જીવન જરિયાત માટે પણ પાણીની મુશ્કેલી પડશે, તેથી એક સમય એવો આવશે, કે જ્યારે લોકો ફરી ગામડાં તરફ પાછા ફરશે, કારણ કે ગામડાંઓની વસતી ઓછી હોઇ લોકોને અહીં પીવાનું પાણી મળી રહેશે અને ગામડાંઓની મર્યિદિત ખેતી પણ એ મર્યિદિત પાણીથી ચાલશે જેથી જીવન ચાલ્યા કરશે, જ્યારે પાણીની ખેંચને કારણે શહેરો વધુ વસતી સમાવી નહીં શકે. (અમદાવાદ, મુંબઇ જેવા શહેરો યુધ્ધનો ભોગ પણ બની શકે છે. કાલે સવારે લડાઇ થાય, તો શત્રુ દેશો આવા શહેરો ઉપર જ મિસાઇલો ફેંકવાના !)
આમ આવનારા 15-20 વર્ષ પછી કે 20-30 વર્ષ પછી શહેરોનો લોકપ્રવાહ ફરી ગામડાંઓ તરફ વળશે, અને આજે ભલે ગામડાંઓ ભાંગી રહ્યા હોય, ગામડાંના વેપાર ધંધા ભાંગી ગયા હોય, પણ 15-20 વર્ષ પછી ફરી ગામડાંઓનો જમાનો આવશે અને ફરી ગામડાંઓમાં રોનક જોવા મળશે. સમયનું ચક્ર હંમેશા ગોળ ગોળ ફરે છે. સત્યયુગ પછી ત્રેતાયુગ, ત્રેતા પછી દ્વાપર, દ્વાપર પછી કલિ અને કલિ પછી ફરી પાછો સત્યયુગ આવે જ છે. પ્રલય પછી સર્જન અને સર્જન પછી ફરી વિનાશ થાય જ છે આમ ચક્રાકારે ઘૂમવું એ સમયનો સ્વભાવ છે તેથી જ આને કાળચક્ર કહે છે.
આજે વાણિયા, વોરા, લોહાણા અને પટેલ તથા બ્રાહ્મણો જેવી કોમો શૈક્ષણિક, સામાજિક તેમજ આર્થિક મહત્વાકાંક્ષા જેવા કારણોસર બહ જ ઝડપભેર ગામડાંઓ છોડીને મુંબઇ અને સુરત અને અમદાવાદ તથા વડોદરા અને પૂના જેવા શહેરો તરફ ચાલી નીકળી છે અને આવી સંસ્કારી તથા ખુમારીવાળી પ્રજા ગામડાંઓ ત્યજી ગઇ હોઇ ગામડાંઓ શોભાહીન અને શ્રીહીન જણાય છે. એક ગામડાંના મૂળ વતની અને હાલ મુંબઇ એવા એક વણિક શ્રેષ્ઠી પોતાના ગામડે આવ્યા એટલે એક ખેડૂતે તેમને કહ્યું ‘શેઠ ! તમે તો અમારું ગામડું સાવ બગાડી નાખ્યું હો !’ શેઠ ચોંકી ગયા. તેમણે પૂછયું, ‘મેં ? મેં કઇ રીતે તમારું ગામ બગાડ્યું ભાઇ ?’ એટલે ખેડૂતે હસતા હસતા જવાબ આપ્યો ‘શેઠ તમે ગામ છોડીને મુંબઇ ચાલ્યા ગયા એમાં ગામની શોભા બગડી ગઇ !’ આ સાંભળી શેઠ હસી પડ્યા.
આજે કેટલાક ગામડાઓ તો એવા છે કે જ્યાં વસતા માણસોની સંખ્યા કરતાં તાળાબંધ મકાનોની સંખ્યા વધારે છે. આવા ગામડાંઓમાં પહેલાના સમયમાં વેપાર ધંધાની જે રોનક હતી તે હવે રહી નથી. ધંધા સાવી ભાંગી ચૂકયા છે.
કાઠિયાવાડની જ વાત કરીએ, તો શ શમાં વાણિયાનો વેપાર હતો પણ પછી વેપાર ઉપર પટેલોએ કબજો જમાવ્યો અને વાણિયા, વ્હોરા તથા લોહાણા મહાજનની વેપારની મોનોપોલી ખતમ થઇ ગઇ, જેથી તેઓ મોટા પાયે મુંબઇ, અમદાવાદ જેવા શહેરો તરફ સ્થળાંતર કરી ગયા. એ પછી સુરતમાં હીરા ઉદ્યોગ વિકસતા પટેલોનો પ્રવાહ પણ ગામડાંઓમાંથી સુરત તરફ શ થઇ ગયો. આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોની તમામ નવી પેઢી સુરતમાં વસે છે અને ઘરડા-બુઢ્ઢા લોકો જ ગામડાંમાં ખેતી સંભાળે છે.
આજે વાણિયા, લોહાણા કે ખેડૂતોને ઘેર ગામડાંમાં છોકરી વરાવવા કોઇ તૈયાર નથી. છોકરીઓમાં પણ ભણતર વધતા તેમને હવે ગામડાંમાં રહેવું નથી પણ સુરત કે મુંબઇ જવું છે, પરિણામે ગામડાંઓમાં યુવાનોના લગ્નની સમસ્યા પણ ઉભી થઈ છે આથી વધુને વધુ પ્રમાણમાં શહેરો તરફ સ્થળાંતર થઇ રહ્યું છે. આ મારા, તમારા સૌના વતનના ગામડાંઓની વાત છે.

આવા ભાંગી ગયેલા ગામડાઓમાં યુવાનો જ્યોતિષિઓને જન્મ કુંડળી બતાવી બતાવીને અને વીંટીમાં પહેરવાના જાત જાતના નંગો બદલાવી બદલાવીને થાકે છે છતાં એક પણ ધંધો ચાલતો નથી અને છોકરી પણ મળતી નથી. જ્યોતિષિઓ પણ હવે તેમને કહેવા લાગ્યા છે કે ભાઇ ! તને ગ્રહો નહીં પણ ગામ નડે છે ! અને થાય છે પણ એવું જ ! જેવા તેઓ ગામડું છોડીને શહેરમાં જાય છે કે તરતજ વેવિશાળ પણ થઇ જાય છે અને કંઇકને કંઇક ધંધો પણ મળી જાય છે અને અહીં સારી પેઠે હેરાન થયેલા એ યુવાનો પછી ગામડાં તરફ પાછું વળીને પણ જુએ ખરા ?
ગામડાંમાં હવે કેવળ વૃધ્ધ મા-બાપો ખેતી સાચવવા રહ્યા છે. કાઠિયાવાડ આવનારા વર્ષોમાં હવે ખેડૂતોથી ખાલી થઇ જવાનું છે એ સાબિત વાત છે. કાઠિયાવાડમાંથી સુરતની બસો જે રીતે ભરચકક જાય છે તે શું બતાવે છે ? એ બતાવે છે કે અહીંના લોકો મોટા પ્રમાણમાં સુરત વસતા થઇ ગયા છે અને હવે તેમનો માત્ર પાછલો પગ જ કાઠિયાવાડના ઉંબરામાં રહ્યો છે. અહીં માત્ર વૃધ્ધ મા-બાપ જ રહે છે અને તેમાંથી એકાદ ખડે-જોડી ભાંગી એટલે ઘરને તાળાં લાગે છે. આવી રીતે એક પછી એક મકાનોને તાળાં લાગી રહ્યા છે અને ગામડાંઓ બહ ઝડપથી ખાલી થઇ રહ્યા છે. પહેલા તો દિવાળી ઉપર પણ સુરત ગયેલા અનેક લોકો વતનના ગામડાંમાં આવતા, પરંતુ હવે તો એ ભીડ પણ દેખાતી નથી. તેનો અર્થ એ થયો કે હવે એ બધા ત્યાં સાવ સેટલ થઇ ગયા છે. આમ હવે ગામડાંઓની બજારમાં દિવાળી ઉપર પણ ધરાકી જોવા મળતી નથી. તેથી ગામડાંઓના વેપાર ધંધા વધુ ભાંગ્યા છે અને ગામડાંઓના વેપારીઓ કે જે દિવાળીએ એક વખત કમાઇ લેતાં હતા તે બંધ થતાં વધુને વધુ વેપારીઓ ગામડું છોડવાનો નિર્ણય લઇ રહ્યા છે.
જોકે તાજેતરમાં જમીન-મકાનોની કિંમતોમાં આવેલ ભારે ઉછાળાએ ગામડાંમાંથી શહેર તરફ ધસમસતા આ જન પ્રવાહને થોડી બ્રેક જર મારી છે, પરંતુ છોકરાઓને વરાવવા-પરણાવવા-ભણાવવા સંબંધી મુશકેલીઓ તથા એકલવાયાપણાની મજબૂરીને લીધે અનેક મુશ્કેલીઓ છતાં શહેરમાં જવું ફરજિયાત બન્યું છે. ગામડાંમાં સામાજિક પરિસ્થિતિ એવી છે કે લગ્નની મુશ્કેલીઓ સર્જાતા આંતરજ્ઞાતીય વિવાહોનું પ્રમાણ વધ્યું છે અને ઉજળિયાત ગણાતા લોકો જેવા કે વાણિયા, પટેલો, લોહાણા વગેરે કોમના યુવાનો જ્ઞાતિ-જાતિને જોયા વિના જે કોઇ જ્ઞાતિનું પાત્ર મળે તે સ્વીકારી લેવા લાગ્યા છે. પ્રેમ લગ્નનું પ્રમાણ પણ ખૂબજ વધી ગયું છે. પહેલા પુત્ર પ્રેમ કરતો તો માતા-પિતા ના પાડતા હતા, આજે માતા-પિતા સામે ચાલીને પ્રેમ વિવાહને પ્રોત્સાહન આપી રહ્યા છે. પરિણામે ગામડાંઓમાં ભાગીને લગ્ન કરવાનું પ્રમાણ વધ્યું છે અને છોકરીઓના મા-બાપ અસલામતી અનુભવતા થયા છે.
હાલ જમીન-મકાનના ભાવો શહેરમાં આસમાનને પહોંચ્યા હોવાથી ગામડામાંથી શહેર તરફ જઇ રહેલો જન પ્રવાહ થોડો રોકાયો છે જર, પરંતુ જમીન-મકાનમાં જેવો થોડો મંદીનો ઝટકો આવશે કે તરત જ ગામડાંઓમાં ટાંપીને બેઠેલાઓ શહેરોભણી કુદકો મારવાના છે.

આમ ગામડાઓ ખાલી થવાના છે એ નકકી છે. આગમવાણી ભાખનારે કયાંક ભાખ્યું છે કે એક સમય એવો આવશે કે બાર ગાવે દિવો બળશે. આ આગમવાણી યુધ્ધ અને કુદરતી પ્રકોપોથી મોટા પાયે વસતીનો વિનાશ થશે તેમ સૂચવે છે, કે પછી ગામડાંઓ ઉજ્જડ થવાની આગાહી કરે છે તે ખબર નથી, પણ ગામડાંઓ ભાંગી રહ્યાં છે એક હકીકત છે.
એમાંય જે ગામોમાં ખેતી બહં સમૃધ્ધ નથી, સિંચાઇની સારી વ્યવસ્થા નથી અને ભૂગર્ભજળ વધુને વધુ ઉંડા જઇ રહ્યા છે, તે ગામડાઓ તો બહં જ ઝડપથી ખાલી થઇ રહ્યા છે. જ્યાં પહેલા પચાસ કે સાઠ ફૂટે પાણી આવતું ત્યાં આજે પાંચસો-હજાર ફૂટના દાર કરાવવાથી પણ પાણી આવતું નથી, અને આવે તો ખારું પાણી આવે છે.
કેટલાક લોકો કહે છે કે પ્રલય-બલય કશું થવાનું નથી અને વિનાશ-બિનાશ કશું જ થવાનું નથી. પાણી ખૂટી જવાથી અને માણસો પાણી વિના વલખાં મારશે એવી બધી વાતો સાવ ખોટી છે. કળિયુગમાં બાર-બાર સુરજ તપશે અને સુરજ સવા નેજે આવી જશે એવી બધી વાતો પણ સદંતર ગપ્પાં છે.

પરંતુ આવી બધી વાતોને બણગા કહેનારાઓ એ કેમ ભૂલી જાય છે કે પહેલા તેમની જ નજર સામે પચાસ ફૂટે બોરમાં પાણી આવતું હતું અને એ પણ મીઠું...જ્યારે હવે તેમની જ નજર સામે પાણીના તળ પાંચસો-હજાર ફૂટ ઉંડા ગયા છે કે નહીં ? વળી આ વર્ષે આંધ્ર-તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં સૂરજની ગરમીથી બે-અઢી હજાર માણસો મયર્િ કે નહીં ? આ પ્રલય નહીં તો બીજું શું ? વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે આવનારા વર્ષોમાં તાપમાનમાં બહ જ વૃધ્ધિ થવાની છે.
હવે તો ખેતીમાં પાણી હોય તો પણ સૂર્યના પ્રખર તાપ્ને કારણે ઉનાળુ પાક ખાસ થતો નથી, બળી જાય છે. શાકભાજી છાંયડો હોય તો જ થાય છે. પાકના છોડનું કદ પણ સખત તાપ્ને લીધે વધતું નથી. એક સમયે ઘઉંના છોડ, મકાઇના છોડ છાતી સમાણા કે માથોડું માથોડું ઉંચા થતાં, હવે સાવ ઠીંગણા રહે છે. આમ ખેતી ઘટી છે.
જ્યાં ખેતી સાવ ખરાબ નહીં પરંતુ મધ્યમ છે ત્યાં પણ તેને હવે વિકાસની હવા લાગી ગઇ છે. અહીં પણ હવે અમેરિકાની જેમ કામ કરે તેવા મજૂરો પણ મળતા અને મજૂરી પણ ઘણી જ મોંધી થઇ ગઇ છે આવા કારણોસર ખેડૂતોને ખેતી પ્રત્યેનો અભિગમ બદલાઇ રહ્યો છે અને તેમના મન પણ શહેરોની ઝાકઝમાળ તથા શહેરોના ધીકતા ધંધાઓની ચમકથી અંજાઇ રહ્યા છે જેથી તેઓ ખેતી છોડીને-વેચીને શહેરો તરફ ચાલી નીકળ્યા છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ જોકે સારો પડે છે એટલે કેટલાક ખેડૂતો અટકી ગયા છે, પણ બધા જ ચોમાસા સારા જ જાય એવું નથી. ભગવાને એવો કોઇ પરિપત્ર કાઢયો નથી કે હવેથી બધા જ ચોમાસા સારા જશે. કયારેક તો દુષ્કાળ પડી શકે છે. એક નહીં પણ ઉપરા ઉપરી બે દુષ્કાળ પણ પડી શકે. એ વખતે સતયુગ હતો છતાં સાત-સાત દુષ્કાળ એક સાથે પડયાના દાખલા છે. તો આ તો કળિયુગ છે. ન કરે નારાયણ ને જો અહીં એક-બે દુષ્કાળ પડ્યા, તો પછી ખેડૂતો અહીં રોકાયા રોકવાના નથી. આમેય તેઓ પરિશ્રમ કરી કરીને થાકયા છે. તેઓ ખેતરમાં ધૂળના તગારા માથે ઉંચકતા હોય અને પરસેવે નહાઇ રહ્યા હોય ત્યારે રોડ ઉપરથી નીકળતી ચમચમાતી મોટરગાડીઓ અને તેમાં લહેરથી મુસાફરી કરતા વેપારી કે નોકરિયાતના કુટુંબને જોઇને તેને પણ એમ તો થાય જ છે કે આટલી મહેનત કરું છું છતાં કદી બે પાંદડે થયો નથી અને આ લોકો કેવા વગર મહેનતે લહેર કરે છે ! તો પછી હં પણ શા માટે ખેતીને ચોંટયો રહં ? હં પણ શા માટે બીજો ધંધો ન કરું ?
એક ખેડૂત એક વખત મને એવું કહેતો હતો કે ‘વાહ ! તમે તો મહેનતનું ખાઓ છો હો ! તમારો રોટલો તો પરસેવાનો છે હો ! તમે મહેનત કરો એટલે માંદા પણ ન પડો હો ! આવું કહી કહીને સમાજે ખેડૂતોને ચડાવી દીધા છે એવું નથી લાગતું ? ખેડૂત આટઆટલી મહેનત કરે છતાં તેની પાછળ કંઇ વધે નહીં અને વાણિયા-વેપારીઓ, ધંધાર્થીઓ અને નોકરિયાતો વગર શારીરિક મહેનત કર્યે કેટલું બધું રળે છે ! અમે ખેડૂતો તો તડકાના કામ કરી કરીને કદપા પણ થઇ જઇએ છીએ, જ્યારે બીજા વર્ણના લોકો અમારા કરતાં પાળા જોવા મળે છે. હવે તો કંપ્નીઓવાળા આવે અને સારોભાવ આપે એટલે આ જમીનો વેચી વેચીને સુરત ચાલ્યું જવું છે અને ત્યાં કોઇ ટાઢા છાયાનો ધંધો કરવો છે !’
એક વખત એવો હતો કે જ્યારે ખેડૂતોને તેમના ઘર-ખોરડાં સ્થિર લાગતાં અને અમે પેઢીઓની પેઢીઓ સુધી અહીં રહીશું એવું લાગતું હતું જેથી તેઓ ખાસ કાળજી લઇને ગામડાંમાં પાકકા મકાનો બનાવ્યા હતા. પણ એ સ્થિરતા લાગવાનું કારણ ખેતી હતી. હવે તો ખેતી જ નકકી નથી. સારી કિંમત આવે એટલે ખેડૂતો ખેતી વેચીને ચાલતા થાય છે. આમ ‘કળિયુગમાં કશું જ સ્થિર નથી’ એ શાસ્ત્ર વાકય હવે સાચું પડી રહ્યું છે. ભૂમિ પણ અસ્થિર (કયારે ભૂકંપ આવે તે નકકી નહીં), ઋતુઓનું પણ નકકી નહીં અને વતનનું પણ નકકી નહીં !

એક તરફ શહેરોમાં મકાન ભાડા વધતા જાય છે. જ્યારે બીજી બાજુ ભાંગતા ગામડાંઓમાં મકાનો સાવ સસ્તા ભાડેથી મળે છે. અરે, કેટલાક ગામડાંઓ તો એવા છે કે ત્યાં એવું છે કે જો કોઇ મકાન સાચવી દેતું હોય અને મકાનની માવજત કરવાની તૈયારી બતાવે, તો શહેરમાં સ્થાયી થયેલ મકાનધણી રહેવા માટે તેને મકાન મફત (વગર ભાડે)પણ આપી દે છે. ખેડૂતોએ પોતાની જમીનો તો આદિવાસીઓને વાવવા માટે આપી જ દીધી છે, સાથે પોતાના મકાનો પણ તેમને રહેવા આપી દીધા છે ! એક તરફ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને મુંબઇ જેવા શહેરોમાં મકાનના ભાવો આસમાનને આંબે છે, જ્યારે બીજી તરફ આવા ભાંગતા ગામડાંઓમાં મકાનો સાવ મામુલી ભાવે વેચાય છે.
પરંતુ મને લાગે છે કે એક સમય એવો આવશે કે શહેરોમાં મકાનોની વેચાણ કિંમત ખૂબ જ વધી જશે ત્યારે લોકો શહેરની બાજુના ગામડાંઓમાં મકાનો ખરીદશે. ખેતીની જમીનોની બાબતમાં આમ થયું જ છે ને ? શહેરની ખેતીની જમીનના ભાવો આસમાને પહોંચ્યા પછી ખરીદદાર એમ વિચારવા લાગ્યા કે આના કરતાં ગામડાંઓમાં જમીનો ઘણી જ સસ્તી મળે છે, તેથી તેઓ દૂર દૂરના ગામડાંઓમાં પણ જમીનો ખરીદવા લાગ્યા અને ગામડાંના સ્થાનિક ખેડૂતો પણ ઉંચા ભાવે જમીન વેચી પૈસાદાર થઇ ગયા અને તેઓ એ ધનમાંથી સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં રહેણાંકના મકાનો ખરીદવા લાગ્યા. આમ ગામડાંઓ વધુ ભાંગ્યા.
શહેરોમાં જમીન મકાનોની તેજીને કારણે ગામડાંમાં પણ જમીન મકાનોના ભાવો ઉંચકાયા તેથી અહીંની મોટી જમીનો તથા મકાનો વેચીને ગામડાંના લોકો બહાર નીકળવાની તક ઝડપવા લાગ્યા અને આને લીધે પણ ગામડાંઓ ભાંગ્યા.
પરંતુ વીશ વર્ષ પછી હિન્દુસ્તાનની વસતી દોઢ અબજે પહોંચવાની છે. આમ 25 કરોડ જેટલી વસતી વધતાં તેમની પાણી જેવી જરિયાતો પણ વધી જશે જેને શહેરની મ્યુનિસિપાલિટીઓ કેવી રીતે પુરી કરી શકશે ? વળી રોજગાર અને વહીવટી પ્રશ્ર્નોની સમસ્યાઓ પણ એકદમ વધી જશે. અત્યારે 125 કરોડની વસતી છે ત્યારે પણ મોટા શહેરોનો વહીવટ ખાડે ગયો છે અને ગામડાંઓનો વહીવટ પણ ખાડે ગયો છે એવી ફરિયાદ લોકો કયર્િ કરે છે, ત્યારે ભારતની વસતીમાં જ્યારે 25 કરોડ જેટલી વૃધ્ધિ થશે ત્યારે સરકાર સંચાલન અને વહીવટ કેવી રીતે કરી શકશે ? વળી શહેરોમાં હવા પણ ખૂબ જ પ્રદૂષિત બની જશે. જીવનસંઘર્ષ વધતાં માનવતા ઘટશે અને ગુનાખોરી વધશે.
ઉર્જાની સમસ્યા તો સૂર્ય ઉર્જા થકી હલ થઇ જશે પણ હવા-પાણીની સમસ્યા વિકરાળ સ્વપ ધારણ કરશે. આ હવા અને પાણી જ જીવનની મૂળભૂત જરિયાત છે. તેથી જીવનની આ મૂળભૂત જરિયાતો પુરી કરવા માટે ફરી ગામડાંઓ તરફ પાછા વળ્યા સિવાય લોકોનો છૂટકો નહીં રહે. આજે પણ લોકો શહેરમાં જઇને સ્ટ્રેસ અને પૈસા સિવાય શું મેળવે છે ? વહેલી સવારે ઉઠીને લોકલ ટ્રેન પકડવા મુંબઇગરાઓ છેક મોડીરાત્રે બાળકો સુઇ જાય ત્યારે ઘેર પાછા ફરે છે અને ત્યારે બાળકો સૂઇ ગયા હોય છે. અતિશયોકિત અલંકારમાં એવું કહેવાય છે કે મુંબઇમાં બાળકો પોતાના પિતાને પણ ઓળખતા નથી ! અહીં અમુલની કોથળી સિવાયનું દૂધ દોહ્યલું છે જ્યારે ગામડાંઓમાં ગાયોના ધણ ભલે પહેલા કરતા નાના થઇ ગયા હોય, પણ હજુ છે ખરાં ! મને તો પોતાની દીકરીઓને શહેરમાં જ પરણાવવા માંગતા મા-બાપોની દયા આવે છે કારણ કે જે શહેરમાં અઠવાડિયે પીવાનું પાણી આવે, ઘી-દૂધ ચોખ્ખા મળે નહીં અને સડકો પર કીડિયારાની જેમ માણસો ઉભરતા હોય અને છાશવારે મકોડાની માફક વાહનો નીચે ચગડાઇ જતાં હોય એવા શહેરોમાં દીકરીઓ કઇ રીતે સુખી થાય ?

ગામડાના ધી, દૂધ, છાશ, માખણ અને શીરા, સુખડી તથા મોહનથાળ મુકી શહેરની સડકે વેચાતી સડેલી વાસવાળી પાઉંભાજી કે ચાઇનીશ ડીશ ખાઇને પોતાને સુખી માનતી દીકરીઓની સમજણ ઉપર પણ દયા આવે છે. ગામડાંના મોટા ફળિયાવાળા અને મોટા મોટા ઓરડાવાળા મકાનો મુકીને શહેરના મલોખા જેવા મકાનો અને બાકસની ડબ્બીઓના બનાવેલા હોય એવા ફલેટોમાં સુખ માનનારા લોકો ખરેખર દયાને પાત્ર નથી શું ?
પણ સમય જર બદલાશે અને એક વખત ગામડાંમાંથી શહેરોમાં ગયેલા લોકો ફરી ગામડામાં પાછા ફરશે. ગામડાંઓ ઉજ્જડ થયા છે તે ફરી હરિયાળા થશે. ગામડાંની રોનક પાછી ફરશે. ઘી, દૂધ વિના પોતાના બાળકોને નમાલા અને માઇકાંગલા થયેલા જોઇને લોકો ફરી એક વખત ગામડે આવશે અને ગાય પાળશે. આમ બનવાનું જ છે કારણ કે કાળચક્ર હંમેશાં ગોળ ગોળ ફરે છે. જેમ જૂની ફેશન પછી નવી ફેશન અને ફરી પાછી એની એજ જૂની ફેશન આવે છે કે નહીં ? ગામ હોય ત્યાં ટીંબા અને ટીંબા હોય ત્યાં ગામ વસે છે કે નહીં ? જંગલ હોય ત્યાં શહેર અને શહેર હોય ત્યાં જંગલ થાય છે અને દરિયો હોય ત્યાં ટાપુ ઉપસી આવે છે અને વળી પાછો ટાપુ ઉપર દરિયો ફરી વળતાં ટાપુને ઠેકાણે દરિયો બની જાય છે. દરિયામાંથી માથું કાઢીને હિમાલય નિકળ્યો અને ફરી પાછો હિમાલય છે ત્યાં દરિયો ફરી વળવાનો છે. આ તો સમય છે, જે હંમેશા ગોળ આંટો મારીને જ્યાં હોય ત્યાં જ પાછો ફરે છે. એજ રીતે ગામડાંઓ ભાંગ્યા અને શહેરો વસ્યા, તો ફરી પાછા શહેરો ભાંગીને ગામડાંઓ આબાદ થવાના છે.
લોકો ગામડાંઓ છોડીને શહેરો તરફ ગયા અને હજુ જઇ રહ્યા છે, પરંતુ એ સમય પણ આવશે કે લોકો ફરી પાછા શહેરો છોડીને ગામડાંઓ તરફ આવવા લાગશે. આ જ કાળક્રમ છે અને આ જ કુદરતની લીલા છે. વાણિયા અને વ્હોરા બહ ડાહી કોમ ગણાય છે. તેઓ ભલે આજે ગામડાં છોડીને મુંબઇ જેવા શહેરોમાં જઇ વસ્યા છે પરંતુ આજે પણ તેમણે ગામડાંમાં રહેલા પોતાના મકાનો વેચ્યા નથી. તેઓ જાણે છે કે સમયનું ચક્ર ગમે ત્યારે ફરી શકે છે. ગીચ વસતીને કારણે શહેરોમાં ચેપી રોગો ઝડપથી ફેલાઇ શકે છે. આજે રોજ નવા નવા ચેપી રોગ નીકળે છે. ઇબોલા જેવા કોઇ ચેપી રોગો ત્રાટકે, તો ગામડું જ રક્ષણહાર બની શકે છે. ભવિષ્યમાં જાતિય સંઘર્ષો વધે, કોમી તોફાનો વધે, શહેરો છાશવારે ત્રાસવાદનો ભોગ બને અથવા તો શહેરો પર યુધ્ધ જેવી આફતો ત્રાટકે કે પછી હવામાન, જળવાયુ કે પાણી અંગેની સમસ્યાઓ સર્જાય ત્યારે ગામડું જ તારણહાર બની શકે છે.

ગામડાંની જરિયાતો પણ ઓછી હોય છે અને અહીં વિવિધ જ્ઞાતિ જાતીના લોકો સંપીને રહેતા હોય છે. ટાઉન પ્લેસમાં પણ જીવન મોટા શહેરોની સરખામણીમાં સરળ બની રહે છે..


આ પણ વાંચો :