ગુરુ (અડવાણી) અને શિષ્ય (મોદી)નાં હિતો જ્યારે સમાન હોય ત્યારે સંઘર્ષની નોબત આવે

વેબ દુનિયા| Last Modified સોમવાર, 17 જૂન 2013 (12:15 IST)

P.R
અત્ર, તત્ર, સર્વત્ર, નરેન્દ્ર મોદી વિ. લાલકૃષ્ણ અડવાણીની લડાઈની ચર્ચા છે. આ લડાઈને ચેલા વિ. ગુરુની લડાઈ પણ કહેવાય છે. જોકે શિષ્ય અને ગુરુની લડાઈનો આ પહેલો બનાવ નથી.

આપણે અર્જુન અને તેમના ગુરુ દ્રોણ વચ્ચેની લડાઈ વિશે સુપેરે જાણીએ છીએ વ્યાપક અર્થમાં આપણે સર્જનહાર અને તેના પોતાના જ સર્જન વચ્ચેના સંઘર્ષનું નામ પણ આપી શકીએ. જેમનું સર્જન પોતે કર્યું, જેમને પોતે મહાન બનાવ્યા અથવા જેમને પોતે મોટા કર્યા તેની વિરુદ્ધ જ લડવું પડે! મેં ક્યાંક હનુમાનજી અને શિવ વચ્ચેની લડાઈનું પણ વાંચ્યું હતું. એ તો જાણીતી વાત છે કે હનુમાનજી શિવજીના અંશાવતાર ગણાય છે.
એ શિવજી જ હતા જેમણે રાવણને વરદાન આપ્યું હતું પરંતુ રાવણનો ત્રાસ એટલો વધી ગયો કે શિવજીએ હનુમાનજી તરીકે અવતરીને પોતાના જ શિષ્ય અથવા ભક્તનો વધ કરવા અવતરવું પડ્યું. એ અલગ વાત છે કે તેમણે પોતે રાવણનો વધ નહોતો કર્યો પણ તેને મારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હા, રાવણની સોનાની અને સમૃદ્ધ લંકાનું દહન તેમણે જરૂર કર્યું હતું.

આવું જ બીજું એક ઉદાહરણ ભસ્માસૂરનું છે. શંકર ભગવાને તેને અમરત્વનું વરદાન આપ્યું હતું. પરંતુ ભસ્માસૂર જ્યારે વિનાશક બની ગયો ત્યારે ભગવાને તેને મારવા આવવું પડ્યું. ‘રોબો’ ફિલ્મ (રજનીકાંત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનિત)માં રોબોટ સર્જનાર પ્રોફેસરને જ તેની સામે લડવાનું આવે છે.
અહીં કહેવાનો અર્થ એ નથી કે મોદી ત્રાસરૂપ બની ગયા છે જેથી અડવાણીએ પોતાના જ શિષ્ય અથવા પોતાના જ સર્જનની સામે લડવા મેદાનમાં આવવું પ ડ્યું, પરંતુ જ્યારે ગુરુ (સર્જનહાર) અને શિષ્ય (સર્જન)નાં હિતો જ્યારે સમાન હોય છે ત્યારે તેમની વચ્ચે સંઘર્ષની શક્યતા વધુ હોય છે.

બોલિવૂડમાં આવા કેટલાંક ઉદાહરણો જોવા મળી જશે. પ્રકાશ મહેરાએ એંગ્રી યંગ મેન તરીકે અમિતાભને સર્જ્યો. પરંતુ બાદમાં તેમના બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. સુભાષ ઘઈએ મહિમાને એવી તક આપી જેની ઘણી યુવતીઓને શોધ હોય છે અને ‘પરદેશ’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનાવી દીધી. પરંતુ બાદમાં બંનેનો ઝઘડો અદાલત સુધી પહોંચ્યો હતો.
જો તમે માતાપિતાને સર્જનહાર અને બાળકોને સર્જન તરીકે લો તો તમને જણાશે કે માતાપિતા અને બાળકો વચ્ચેની લડાઈના પ્રમાણમાં વધારો જ થતો રહ્યો છે. તે પછી અભિનેત્રી નૂતનની તેમની માતા શોભના સમર્થ વચ્ચેની લડાઈ હોય કે અમીષા પટેલની તેના માતાપિતા વિરુદ્ધની ફરિયાદ.

ઘણા કિસ્સાઓમાં લડાઈ બે પેઢી વચ્ચે વિચારોના મતભેદ, જેને જનરેશન ગેપ કહે છે, તેના કારણે થાય છે. માતાપિતા/ગુરુ/સર્જનહાર તેમની પોતાની રીતે કામ કરવા માગતા હોય જ્યારે બાળકો/શિષ્ય/સર્જનના વિચારો જુદા હોય. આથી લડાઈ સ્વાભાવિક છે. હું ૯૦ના દાયકા પછીના સમયને અશિસ્તનો સમય કહું છું. તે પહેલાં, મોટા ભાગના કિસ્સાઓમાં બાળકો/શિષ્યો માતાપિતા/ગુરુ સાચા હોય કે ન હોય તેમનું કહ્યું માનતા હતા. ૯૦ના દાયકા પછી રાજકારણ, રમત કે સિનેમા દરેક ક્ષેત્રમાં અશિસ્તનું પ્રમાણ વધી ગયું છે.
એ નોંધવું રહ્યું કે દરેક કિસ્સામાં કંઈ માતાપિતા/ઘરડાઓ સાચા નથી હોતા. પ્રહલાદ કે વિભિષણ કે પછી પાંડવો તેમનાં માતાપિતા કે મોટેરાઓ સામે સાચા હતા. આવા કિસ્સામાં યા તો અહંકારના કારણે અથવા તો પછી સત્તાની મમતના કારણે માતાપિતા/ઘરડાઓ સત્તા, ઘરનો વહીવટ કે સંસ્થાનો વહીવટ પોતાના હાથમાં રાખવા માગે છે, પછી ભલે તેઓ ઘર કે સંસ્થાને ખાડામાં નાખે.
અડવાણી વિરુદ્ધ મોદીના કિસ્સામાં, એ દેખીતું છે કે અડવાણી બે સામાન્ય ચૂંટણી (૨૦૦૪ અને ૨૦૦૯)માં ભાજપને કે એનડીએને વિજય અપાવવામાં નિષ્ફળ ગયા હોવા છતાં ભાજપની લગામ પોતાના હ થમાં રાખવા માગે છે, બીજી બાજુ નરેન્દ્ર મોદીએ એક પછી એક વિજય અને સતત વધતી લોકપ્રિયતા દ્વારા પોતાને ચડિયાતા સાબિત કરી દીધા છે. હવે જોઈએ કે આ બંનેની લડાઈમાં ઇતિહાસ કોને વિજયી બનાવે છે અને કોને સાચા સાબિત કરે છે?


આ પણ વાંચો :