શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2024 (15:04 IST)

આમ આદમી પાર્ટીને મોટી રાહત, સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

કથિત શરાબનીતિ ગોટાળા મામલે છેલ્લા છ મહિના કરતાં પણ વધુ સમયથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.
 
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમયે જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, “તેમની પાસેથી કશું જ મળ્યું નથી, લાંચ લેવાના અત્યાર સુધી કોઈ સીધા પુરાવા મળ્યા નથી. તેઓ છેલ્લા છ મહિનાથી જેલમાં છે.”
 
જસ્ટિસ સંજીવ ખન્નાએ (ED દ્વારા) આપેલા નિવેદનને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે સંજય સિંહને ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવનાર નિયમો અને શરતો પર મુક્ત કરવામાં આવશે.
 
આ સાથે જ કોર્ટે કહ્યું હતુ કે સંજયસિંહ રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખવા માટે પણ હકદાર છે.
 
કોર્ટમાં એડિશનલ સૉલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે ઈડીના ડાયરેક્ટરે સંજયસિંહને જામીન મળે તેની સામે કોઈ વિરોધ ન કર્યો.
 
સંજયસિંહ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી તેમનો પક્ષ મૂકી રહ્યા હતા.
 
અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, અને સત્યેન્દ્ર જૈન જેલમાં છે. આવી પરિસ્થિતિમાં સંજયસિંહને જામીન મળતા આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે.