શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (08:17 IST)

Budget Session: સંસદમાં ખાસ રહેશે આજનો દિવસ ! ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ મોદી આપશે જવાબ, ઓવૈસી પર હુમલાને લઈને બોલશે શાહ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે. મોદીનું સંબોધન સાંજે થવાની શક્યતા છે. 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રમાં  રાષ્ટ્રપતિ કોવિંદના અભિભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો ભાગ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.
 
ભાષણ દરમિયાન, રાષ્ટ્રપતિએ કોવિડ-19 કટોકટી વચ્ચે સરકારની ઉપલબ્ધિઓની ગણતરી કરી. તેમણે ખાસ કરીને મહામારી સામે લડવા, ખેડૂતો અને મહિલાઓની મદદ કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો. તેમણે 2047માં આઝાદીની સદી સુધીમાં આધુનિક ભારતનું નિર્માણ કરવા માટે વધુ મહેનત કરવાની અપીલ કરી હતી.
 
ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા 2 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી
 
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા 2 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. બજેટ સત્રના પહેલા ભાગમાં બંને ગૃહોએ આ માટે 12 કલાકનો સમય લીધો હતો. જ્યારે શાસક ભાજપના સભ્યોએ સરકારની ઉપલબ્ધિઓને ગણાવી હતી, ત્યારે વિપક્ષે મોંઘવારી અને બેરોજગારી સહિત વિવિધ બાબતોમાં નિષ્ફળતાના આક્ષેપ સાથે કેન્દ્ર પર હુમલો કર્યો હતો.

યોગી સરકારના કાર્યકાળમાં 5 વર્ષમાં 4.5 લાખ યુવાનોને નોકરી અપાઈ
ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના શાસનમાં છેલ્લા પાંચ વર્ષમાં 4.5 લાખ યુવાનોને નોકરી આપવામાં આવી છે અને ખેડૂતોની 36,000 કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે. તેમણે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં અગાઉની સરકારો પર ગરીબ અને પછાત વર્ગના કલ્યાણ માટે જ કામ ન કરવાનો આરોપ લગાવ્યો.
 
 
ઓવૈસી પર થયેલા હુમલા પર આજે અમિત શાહ સંસદમાં નિવેદન આપશે
 
સાથે જ  AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગની ઘટના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સંસદમાં નિવેદન આપશે. શાહ સોમવારે સવારે લગભગ 11.30 વાગ્યે લોકસભા અને રાજ્યસભામાં બોલશે. મેરઠના ટોલ પ્લાઝા પર ઓવૈસીની કાર પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના સન્માનમાં બંને ગૃહો એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે. સંગીત સામ્રાજ્ઞી લતા મંગેશકરનું રવિવારે નિધન થયું હતુ.