રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 20 માર્ચ 2021 (10:09 IST)

પરસોત્તમ રૂપાલાએ હંગર રિપોર્ટ પર સંસદમાં કહ્યું : ભારતમાં કૂતરાનેય ભૂખ્યું રહેવું પડતું નથી

'ધ પ્રિન્ટ'ના એક અહેવાલ અનુસાર કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરસોત્તમ રૂપાલાએ શુક્રવારે સંસદમાં કહ્યું કે ભારતે NGO દ્વારા તૈયારા કરતા 'હંગર રિપોર્ટો' (ભૂખમરો દર્શાવતા અહેવાલો) પર ધ્યાન ન આપવું જોઈએ.
 
તેમનું કહેવું હતું કે આપણા દેશમાં રખડતાં કૂતરાં પણ જ્યારે ગલૂડિયાંને જન્મ આપે ત્યારે તેમને 'શીરો' ખવડાવવામાં આવે છે.
 
કેન્દ્રીય મંત્રી રૂપાલા 'ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020'માં ભારતના ખરાબ રેન્ક બાબતે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે રાજ્યસભામાં કરેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા.
 
સંજયસિંહે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે વિશ્વના ટોચના દસ અનાજ ઉત્પાદક દેશોમાં સામેલ હોવા છતાં ભારત હંગર ઇન્ડેક્સમાં ખૂબ જ દયજનક સ્થિતિમાં દેખાય છે.
 
તેમણે પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે આ બાબતે ભારતના પાડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાનું પ્રદર્શન સારું રહ્યું છે.
 
ગ્લોબર હંગર ઇન્ડેક્સ 2020 અનુસાર વિશ્વના 107 દેશમાં ભારતને 94મો ક્રમ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાને ગંભીર પણ ગણાવાયો છે.
 
આ બાબતે મંત્રી પરોસોત્તમ રૂપાલાએ જવાબ આપતાં કહ્યું હતું કે, "આ રિપોર્ટ તૈયાર કરનાર NGO વૅલ્થ હંગરલાઇફને કેન્દ્ર સરકારે તેમની મેથડોલૉજી અને ડેટાની ચોકસાઈ અંગે સ્પષ્ટતા કરવા માટે જણાવતો પત્ર લખ્યો છે. પરંતુ હજુ સુધી તેમનો કોઈ જવાબ નથી આવ્યો."
 
આ સિવાય તેમણે દેશમાં અનાજની બિલકુલ અછત ન હોવાની વાત કરી હતી.
 
રૂપાલાએ કહ્યું હતું કે ભારત પાસે હાલમાં 529.59 લાખ ટન અનાજનો બફર સ્ટૉક રહેલો છે. જ્યારે આદર્શપણે દેશે માત્ર 214 લાખ ટન અનાજનો સ્ટૉકમાં રાખવાની જરૂર હતી.