શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 જાન્યુઆરી 2020 (12:00 IST)

ગુજરાતમાં બાળમૃત્યુની આ કડવી વાસ્તવિકતા, 1 મહિનામાં 219 નવજાત શિશુઓના મોત

રાજસ્થાનમાં કોટાની જેકે સરકારી હોસ્પિટલમાં એક જ મહિનામાં 104 બાળકોના મોત થતાં ગેહલોત સરકારને આડે હાથ લીધી હતી. આ હવે તરફ, ગુજરાતમાં પણ રાજસ્થાનવાળી જોવા મળી રહી છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત બાળકોના મૃત્યુનો સિલસીલો જારી રહ્યો છે. જેમાં અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલોમાં છેલ્લા એક મહિનામાં 219 ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
મુખ્યમંત્રીના મતવિસ્તાર રાજકોટમાં ય એક જ મહિનામાં 111 નવજાત શિશુઓના મોત થયાં છે. તબીબી અધીક્ષક ડૉ. મનિષ મહેતાએ જણાવ્યું હતું કે 111માંથી 96 નવજાત પ્રિ-મેચ્યોર અને ઓછા વજનના હતાં, જ્યારે 77નું વજન દોઢ કિલોથી ઓછું હતું. બાળકોની હોસ્પિટલમાં એનઆઈસીયુ છે પણ તે કાર્યક્ષમ ન હોવાથી દોઢ કિલોથી ઓછાં વજનનાં બાળકો બચાવી શકાય તેવી ક્ષમતા અને સુવિધાના નથી. વર્ષ દરમિયાન ડિસેમ્બર મહિનામાં મૃતાંકનો આંકડો સૌથી વધુ રહ્યો છે. જો કે, બાળકોના મોતનું મુખ્ય કારણ એનઆઈસીયુમાં કાર્યક્ષમતાનો અભાવ છે.
 
નવજાત શિશુઓના મોતને લઇને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકાર ચર્ચામાં રહી છે. જોકે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોતનો આંકડો ઘણો મોટો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલમાં નિયોનેટલ આઇસીયુમાં માસુમ બાળકોના મોતનો દર ઉંચો છે.અહીં જ કેટલાંય માસુમો અંતિમ શ્વાસ લે છે.
 
મળતા સત્તાવાર આંકડા મુજબ, અમદાવાદમાં ગત વર્ષે 2019માં ડિસેમ્બરમાં 85 નવજાત શિશુઓના મોત નિપજ્યા હતાં. નવેમ્બર મહિનામાં 74 અને ઓકટોબર મહિનામાં 94 બાળકોના મૃત્યુ થયા હતાં. એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં સિવિલમાં ૨૫૩ બાળકોએ જીવ ગુમાવ્યાં છે. દર મહિને સરેરાશ 84 બાળકો મોતને ભેટી રહ્યાં છે જયારે રોજ ત્રણ બાળકો જીવ ગુમાવે છે. ગુજરાતમાં હજારો બાળકો કુપોષણનો શિકાર છે. યુનિસેફના વર્ષ ૨૦૧૭ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ૧૦.૧ ટકા બાળકો ઓછા વજન સાથે જન્મે છે. ગર્ભાવસૃથા દરમિયાન માતાને ઓછા પ્રોટિન સાથેનો ખોરાક મળતાં બાળકને ય પ્રોટિનની ઉણપ હોય છે. બાળકોના મૃત્યુ માટે નિયોનેટલ કેર યુનિટમાં ડૉક્ટરોની અપુરતી કાળજી પણ મહત્વનુ કારણ છે.
 
તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા મુજબ 2018માં 4321 બાળકો દાખલ કરાયાં હતાં જેમાંથી 20.8 ટકા એટલે કે 869નાં મોત થયા છે. 2019માં 4701 દાખલ થયાં અને તેમાંથી 18.9 ટકા બાળકોનાં મોત થયાં છે. મૃત્યુદર ઓછો છે પણ ડિસેમ્બરમાં 386ની સામે 111નાં મોત થતાં તે માસનો દર 28 ટકા જેટલો ઊંચો ગયો છે. આ 111માંથી 96 પ્રિ મેચ્યોર અને 77 નવજાતના વજન 1.5 કિલો કરતા ઓછું હોવાનું તબીબી અધીક્ષકે જણાવ્યુ હતું.
 
કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છેકે, કુપોષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનુ આંધણ કરવામાં આવી રહ્યું છે. નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા રાજ્ય સરકારે બાળસખા યોજના,ચિરંજીવી યોજના,કસ્તુરબા પોષણ યોજના,જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે છતાંય બાળ મૃત્યુનો સિલસીલો જારી રહ્યો છે. આ એજ દર્શાવે છેકે, ગુજરાત મોડેલનો રકાસ થયો છે.
 
અમદાવાદ અને રાજકોટ સિવિલમાં રાજસ્થાનવાળી થઇ છે. રાજકોટમાં તો એક જ મહિનામાં 134 બાળકોના મોત નિપજ્યાં છે ત્યારે હવે સિવિલ-સરકારી હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મનિષ મહેતાએ ડિસેમ્બર-2019માં 134 ભૂલકાઓના મોત થયાની વાતને સ્વિકારી જણાવ્યું કે, ખાસ કરીને સૌરાષ્ટ્રથી આવતી પ્રસુતાઓ શારીરીક રીતે અસક્ષમ હોય છે જેના કારણે અધૂરા મહિને અતિ ઓછા વજનના બાળકો જન્મે છે જેના કારણે મૃત્યુદર વધુ છે.