પપૈયાના વાવેતર વિસ્તારની દૃષ્ટિએ દેશના રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે, આ જિલ્લા ટોચ પર
કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે જોયેલા સપનાંઓની દિશામાં રાજ્ય સરકાર હરહંમેશ પ્રત્નશીલ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ગુણકારી ફળપાક એવા પપૈયાની ખેતી વિવિધ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જેથી રાજ્યના ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાકની ખેતી દ્વારા સારી આવક ઊભી કરી પોતાની આવક બમણી કરી શકે.
મંત્રીએ ઉત્પાદન અંગેની બાબતો વિશે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં પપૈયા પાકનો વાવેતર વિસ્તાર ૧૮ હજાર હેકટર કરતાં વધુ છે તથા ઉત્પાદન ૧૧ લાખ મેટ્રિક ટન કરતાં વધુ છે અને ઉત્પાદકતા ૬૧.૦૭ મેટ્રિક ટન પ્રતિ હેક્ટર છે. જે વાવેતરની દૃષ્ટિએ દેશના તમામ રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે અને ઉત્પાદનમાં બીજા ક્રમે છે. પપૈયાની ખેતી મુખ્યત્વે તાપી, વડોદરા, છોટા ઉદેપુર, અરવલ્લી, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
મંત્રીએ પપૈયાની ખેતીની સહાય અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાં લાભાર્થી દીઠ ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂ. ૩૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે. આ સિવાય રાજ્ય સરકારની વધારાની પૂરક સહાય પેટ સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જ્યારે અનુ. જનજાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફક્ત વાવેતર માટે જ આપવામાં આવે છે. લાભાર્થી દીઠ આજીવન મહત્તમ ૪.૦૦ હેકટરની મર્યાદામાં પપૈયાની ખેતી માટે સહાય આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ફળપાકોમાં પપૈયા અગત્યનો ટૂંકાગાળાનો રોકડીયો ફળપાક છે. પોષક આહારની દ્રષ્ટિએ પાકા પપૈયાના ફળ પાચક, રેચક, પિત્તનાશક અને પોષણક્ષમ ગણાય છે. તેમાં વીટામીન એ વીટામીન સી તેમજ વીટામીન બી-૧, બી-૨ તથા ક્ષારોનું પ્રમાણ પણ સારૂં છે. પપૈયાના કાચા ફળમાંથી મળતું પેપીન મુખ્યત્વે ઔષધો તેમજ ઔદ્યોગિક બનાવટોમાં વપરાય છે. આવા વિવિધ ફાયદાઓ હોવાના કારણે ખેડૂતોને પપૈયાની ખેતી દ્વારા પોતાની આવક વધારવાની સાથે સાથે રાષ્ટ્ર પ્રગતિમાં પણ યોગદાન આપવા મંત્રીએ અનુરોધ કર્યો છે.