ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (13:09 IST)

ગુજરાત સરકારે કાર્યક્રમોને આપી મંજૂરી, નવરાત્રિમાં કોરોનાની ગાઇડલાઇન સાથે ગરબા

ગત વર્ષે કોરોનાના લીધે લોકો નવરાત્રિનો પર્વ ઉજવી શક્યા ન હતા પરંતુ બીજી લહેરનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા લોકોને તહેવારોની ઉજવણી માટે છૂટછાટ આપી રહી છે. સરકારે કોરોનાની ગાઇડલાઇન પાલન સાથે સાતમ આઠમના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીના ઉત્સવોને મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ હતી.
 
ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી અને ભાદરવી પૂનમનો તહેવાર આવી રહ્યો છે. તેને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ વખતે ગરબાને લઇને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે કે, નહીં તેને લઇને ચિંતા છે. 
 
આગામી દિવસોમાં ગણેશ મહોત્સવમાં પણ રાજ્ય સરકારે કેટલીક છૂટછાટો આપી છે. તેને જોતા લોકોને એવું લાગે છે કે, સરકાર નવરાત્રિમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ગરબાને મંજૂરી આપી શકે છે. ત્યારે આ બાબતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકોનો લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રિ અને ભાદરવી પૂનમ. અંબાજી માતા સહિત દરેક માતાજીના મંદિરે લાખો પદયાત્રીઓ દર્શન કરવા જાય છે. તેવા તહેવારો પણ નજીક આવી રહ્યા છે. આ તહેવાર અંગે કેવા પ્રકારની સુવિધા, છૂટછાટો અને નિયમો લાગુ કરવા તે અંગે અમે ચર્ચા વિચારણા કરીને યોગ્ય ર્નિણય કરીશું અને સમયસર તેની જાહેરાત કરીશું.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં જન્માષ્ટમી સહિત અન્ય તહેવારો લોકોએ ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવ્યા છે. સરકારે પણ નિયમોના પાલન સાથે તમામ મંદિરો ખુલ્લા રાખવા માટે છૂટ આપી હતી. ત્યારે હવે નવરાત્રીને લઈને પણ સરકાર કોર કમિટીમાં ચર્ચા કરીને ર્નિણય કરશે.
 
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે સરકાર પણ જો મંજૂરી આપશે તો પણ રાજ્યમાં કેટલાક ગરબાના આયોજકોએ લોકોના હિતને ધ્યાનમાં લઇને ગરબાનું આયોજન ન કરવાનો ર્નિણય કર્યો છે.
 
યુનાઇટેડ વે ઓફ બરોડા, વડોદરાના માં શક્તિ ગરબા, અમદાવાદમાં ફ્રેન્ડ ગરબા, અમદાવાદના શંકુઝ એન્ટટેઈન્મેન્ટ ગરબા, અમદાવાદના બોલીવૂડ દાંડિયા ગરબા, સુરતના ઇન્ડોર સ્ટેડીયમ ગરબા, સુરતના સારસાણા કન્વેન્સન ગરબા, રાજકોટના નીલ કલબ ગરબા, ભૂજના રોટરી વોલ સીટી ગરબા, ભૂજના ડ્રીમ ગરબા અને ભરૂચના પટેલ કોલોની ગરબાના આયોજકોએ આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન ન કરવાનો ર્નિણય કર્યો છે.