1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (10:37 IST)

Pandit Birju Maharaj - બિરજુ મહારાજના મૃત્યુની માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી

પ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા.
 
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજના મૃત્યુની માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી.
 
તેમણે લખ્યું, "અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે આજે અમે અમારા પરિવારના અમારા સૌથી પ્રિય સભ્ય પંડિત બિરજુજી મહારાજને ગુમાવ્યા છે. તેમણે 17 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ."
 
બિરજુ મહારાજના નિધન પર શોક વ્યક્ત કરતા ગાયક અદનાન સામીએ ટ્વીટ કર્યું.
 
તેમણે લખ્યું, "મહાન કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજજીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. આપણે કલા ક્ષેત્રે એક અદ્વિતીય સંસ્થા ગુમાવી છે. તેમણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે. તેમના આત્માને શાંતિ મળે.''
 
લખનૌના કથક ઘરાનામાં જન્મેલા બિરજુ મહારાજના પિતા અચ્છન મહારાજ અને કાકા શંભુ મહારાજનું નામ દેશના પ્રખ્યાત કલાકારોમાં સામેલ હતું.
 
તેમનું પ્રારંભિક નામ બ્રિજમોહન મિશ્રા હતું, નવ વર્ષની વયે તેમના પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. ત્યારબાદ તેમણે કાકા પાસેથી કથકની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.
 
થોડા સમય પછી કપિલા વાત્સ્યાયન તેમને દિલ્હી લઈ આવ્યા. તેમણે સંગીત ભારતી (દિલ્હી)માં નાના બાળકોને કથક શીખવવાનું શરૂ કર્યું અને પછી કથક કેન્દ્ર (દિલ્હી)નો હવાલો સંભાળ્યો.
 
તેમણે કથક સાથે ઘણા પ્રયોગો કર્યા અને ફિલ્મો માટે કોરિયોગ્રાફી પણ કરી હતી.