રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (16:10 IST)

રાજ્યસભામાં વિપક્ષના 'મોદી અદાણી ભાઈ-ભાઈ'ના નારા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભાષણ આપ્યું હતું.

વડા પ્રધાને ભાષણની શરૂઆત શાયરાના અંદાજમાં કરી. વડા પ્રધાને એક શેર કહ્યો, "કીચડ ઉસકે પાસ થા, મેરે પાસ ગુલાલ, જો ભી જીસકે પાસ થા વો દિયા ઉછાલ" જેટલું કીચડ ઉછાળશો, કમળ એટલું વધુ ખીલશે. એટલે કમળ ખિલવવામાં તમારું પ્રત્યક્ષ અને પરોક્ષ તમારું જે કંઈ યોગદાન છે તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું."
 
"મેં ઊંડાણથી અધ્યયન કર્યું તો જોયું કે 60 વર્ષ કૉંગ્રેસના શાસનમાં ખાડા જ ખાડા કરી નાખ્યા હતા. તેઓ ખાડા ગાળવામાં 6-6 દાયકા બરબાદ કરી નાખ્યા ત્યારે દુનિયાના નાના દેશો પણ આગળ વધી રહ્યા હતા."
 
"સમસ્યાઓનું સમાધાન કરવાની તેમની જવાબદારી હતી પરંતુ તેમની પ્રાથમિકતાઓ અને તેમના ઇરાદાઓ અલગ હતા. અમારી સરકારની ઓળખ બની છે તે અમારા પુરૂષાર્થને કારણે બની છે. અમે કાયમી ઉકેલની દિશામાં આગળ વધી રહ્યા છીએ."
 
"છેલ્લાં નવ વર્ષમાં 48 કરોડ જનધન બૅન્ક ખાતાં ખોલાયાં. તેમાંથી 32 કરોડ બૅન્ક ખાતાં ગ્રામ્ય વિસ્તારોમાં છે. ખડગેજી કાલે ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવી જાય છે."
 
"હું કહું છું કે કર્ણાટકમાં એક કરોડ 70 લાખ જનધન બૅન્ક ખાતાં ખૂલ્યાં છે. તેમના વિસ્તાર કલબુર્ગીમાં આઠ લાખ બૅન્ક ખાતા ખૂલ્યા છે. તમારું ખાતું બંધ થઈ જાય એમાં તમે અહીં કેમ રોવો છો."
 
"દેશમાં પહેલાં પરિયોજનાઓ લટકાવી દેવી, અટકાવી દેવી એ એમની કાર્યશૈલીનો હિસ્સો બની ગયો હતો. અમે ટેકનૉલૉજીનો માસ્ટરપ્લાન તૈયાર કર્યો."
 
"જે યોજનાઓ બનાવવામાં મહિનાઓ લાગી જતા તે આજે અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે. અમે સત્તામાં આવ્યા તે પહેલાં દેશમાં 14 કરોડ ઘરોમાં એલપીજી કનેક્શન હતાં, અમે 25 કરોડથી વધુ પરિવારો પાસે ગૅસ કનેક્શન પહોંચાડ્યાં."
 
"18,000થી વધુ ગામોમાં વીજળી નહોતી પહોંચી. આ ગામોમાં મોટાભાગના આદિવાસી, પહાડી વિસ્તારનાં ગામો હતાં. અમે બધાં ગામોમાં સમયસીમામાં વીજળી પહોંચાડી. પહેલાંની સરકારોમાં કેટલાક કલાક વીજળી આવતી હતી, આજે સરેરાશ આપણા દેશમાં 22 કલાક વીજળી આપવાના પ્રયાસમાં અમે સફળ થયા છીએ."
 
"આ માટે અમારે નવી ટ્રાન્સમિશન લાઈનો લગાવવી પડી, ઊર્જા ઉત્પાદન કરવું પડ્યું. અમે મહેનતવાળો રસ્તો પસંદ કર્યો અને તેનું પરિણામ દેશ જોઈ રહ્યો છે."
 
દરમિયાન વિપક્ષ તરફથી સૂત્રો લાગ્યા કે 'મૌની બાબા, કુછ તો બોલો, કુછ તો બોલો, કુછ તો બોલો. ફેંકુબાજી નહીં ચલેગી, નહી ચલેગી'.
 
મોદીએ આગળ કહ્યું કે, "કૉંગ્રેસને વારંવાર દેશ નકારી રહ્યો છે પણ કૉંગ્રેસ પોતાના ષડયંત્રોથી ઉપર નથી ઊઠતી. અમે આદિવાસી બહુમત ધરાવતા 110 આકાંક્ષિત જિલ્લાઓને તારવ્યા."
 
"આ જિલ્લાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરેમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળ્યો છે. અમે 500 નવી એકલવ્ય મૉડલ સ્કૂલ મંજૂર કરી છે અને 38000 નવી ભરતીઓની આ બજેટમાં જોગવાઈ કરી છે. અમે 11 કરોડ શૌચાલયો બનાવ્યાં છે."
 
"મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં 70 ટકા મહિલાઓ છે તે વાતનો અમને ગર્વ છે. અમે દીકરીઓ માટે સૈનિક સ્કૂલો બનાવી અને આજે સિચાસિન પર દીકરી દેશની રક્ષા કરવા માટે તહેનાત છે તે જોઈને અમને ગર્વ થાય છે. અમે સૌભાગ્ય યોજના થકી ગરીબ પરિવારો સુધી વીજળી પહોંચાડી."