Jammu-Kashmir: દક્ષિણ કાશ્મીરના 2 વિસ્તારોમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર, એન્કાઉન્ટર ચાલુ
.
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના બે વિસ્તારોમાં બુધવારે સાંજે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. અહીંના પોમ્બે અને ગોપાલપોરા ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા, ત્યારબાદ ફાયરિંગ શરૂ થયું હતું. સેનાની જવાબી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામના પોમ્બે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીએ કહ્યું કે ફાયરિંગ ચાલુ છે.
સાથે જ પુલવામા પોલીસ અને સુરક્ષા દળોએ આજે મોટી દુર્ઘટના ટાળી છે. લશ્કરના 2 આતંકવાદી સહયોગીઓ અમીર બશીર અને મુખ્તાર ભટની પુલવામા પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત નાકા તપાસ દરમિયાન ધરપકડ કરી હતી. તેમની પાસેથી આઈઈડી મળી આવ્યો છે.