શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (00:06 IST)

સ્વામી વિવેકાનંદનો ઉપદેશ - શિકાગોની ધર્મસભાના પ્રવચનમાં શુ કહ્યુ હતુ

કોલકાતામાં 1863ની 12 જાન્યુઆરીએ જન્મેલા નરેન્દ્રનાથ, તા. ચોથી જુલાઈ 1902ના દિવસે મૃત્યુ પામ્યા. પરંતુ આ દરમિયાન તેઓ સ્વામી વિવેકાનંદના નામે વિખ્યાત થયા હતા. સ્વામી વિવેકાનંદની વાત થાય ત્યારે તેમણે અમેરિકાના શિકાગોની ધર્મ સંસદમાં 1893માં 11મી સપ્ટેમ્બરે આપેલાં પ્રવચનની ચર્ચા જરૂર થાય છે.
 
એ પ્રવચને સમગ્ર દુનિયા સામે ભારતને મજબૂત ઇમેજ સાથે રજૂ કર્યું હતું, પણ એ પ્રવચનમાં સ્વામીજીએ શું કહ્યું હતું એ બહુ ઓછા લોકો જણાવી શકે છે.
 
સ્વામી વિવેકાનંદના એ પ્રવચનના ખાસ અંશ
 
- અમેરિકન ભાઈઓ અને બહેનો, તમે જે સ્નેહ સાથે મારું સ્વાગત કર્યું છે તેનાથી હું ગદગદ થઈ ગયો છું.
- હું દુનિયાની સૌથી જૂની સંત પરંપરા અને તમામ ધર્મોની જનેતા તરફથી આપને ધન્યવાદ આપું છું.
- તમામ જ્ઞાતિઓ અને સંપ્રદાયોના લાખો-કરોડો હિંદુઓ તરફથી આપનો આભાર માનું છું.
- વિશ્વમાં સહિષ્ણુતાનો વિચાર પૂર્વના દેશોમાંથી ફેલાયો હોવાનું આ મંચ પર અગાઉના જે વક્તાઓએ જાહેર કર્યું હતું તેમનો પણ આભાર માનું છું.
- મને એ વાતનો ગર્વ છે કે હું એ ધર્મને અનુસરું છું, જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનું જ્ઞાન આપ્યું છે.
અમે માત્ર સાર્વભૌમિક સહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી રાખતા, અમે તમામ ધર્મોનો સત્યના સ્વરૂપમાં સ્વીકાર કરીએ છીએ.
- મને ગર્વ છે કે હું એ દેશમાંથી આવું છું, જે દેશે તમામ ધર્મો અને દેશો દ્વારા હેરાન કરવામાં આવેલા લોકોને શરણ આપ્યું છે.
 
-  મને ગર્વ છે કે અમે અમારાં હૃદયમાં ઈઝરાયલની એ પવિત્ર સ્મૃતિને જાળવી રાખી છે, જેમાં તેમનાં ધર્મસ્થળોને રોમન હુમલાખોરોએ લગભગ નષ્ટ કરી નાખ્યાં હતાં. પછી તેમણે દક્ષિણ ભારતમાં આશ્રય લીધો હતો.
 
-  મને ગર્વ છે કે હું એક એવા ધર્મને અનુસરું છું, જેણે પારસી ધર્મના લોકોને આશ્રય આપ્યો છે અને તેની સતત મદદ કરી રહ્યો છે.
 
-  હું આ પ્રસંગે એક શ્લોક સંભળાવવા ઇચ્છું છું. આ શ્લોકનું પઠન હું બાળપણથી કરતો રહ્યો છું અને રોજ કરોડો લોકો તેનું પઠન કરે છે. એ શ્લોક આ મુજબ છેઃ "જે રીતે અલગ-અલગ સ્થળોએથી નિકળેલી નદીઓ અલગ-અલગ માર્ગોથી આગળ વધીને આખરે સમુદ્રમાં ભળી જાય છે તેવી જ રીતે મનુષ્ય પોતાની ઇચ્છાથી અલગ-અલગ માર્ગ પસંદ કરે છે"
 
"એ માર્ગો ભલે અલગ-અલગ દેખાય, પણ બધા રસ્તા આખરે તો ઈશ્વર ભણી જ જાય છે."
 
-  આજનું સંમેલન અત્યાર સુધીની સૌથી પવિત્ર સભાઓ પૈકીનું એક છે. આ સંમેલન ગીતામાં આપવામાં આવેલા એક ઉપદેશ મુજબનું છે. ગીતામાં એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે "જે વ્યક્તિ મારા સુધી આવે છે, એ ભલે ગમે તેવી હોય, પણ હું તેમના સુધી પહોંચું છું." "લોકો અલગ-અલગ માર્ગો પસંદ કરે છે, મુશ્કેલીઓનો સામનો કરે છે, પણ આખરે મારા સુધી પહોંચે છે."
 
-  સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને તેના ભયાનક વંશજોની ધાર્મિક હઠે આ સુંદર ધરતીને લાંબા સમયથી જકડી રાખી છે. તેમણે આ વિશ્વમાં પારાવાર હિંસા ફેલાવી છે અને અનેક વખત આ ધરતી લોહીથી લાલ થઈ ચૂકી છે. તેમાં સંખ્યાબંધ સંસ્કૃતિઓ તથા દેશોનો નાશ થયો છે.
 
- આ ખૌફનાક રાક્ષસો ન હોત તો માનવસમાજ અત્યાર કરતાં અનેકગણો બહેતર હોત, પણ એ રાક્ષસોનો સમય પુરો થઈ ગયો છે. મને આશા છે કે આ સમેલનનું બ્યુગલ તમામ પ્રકારની કટ્ટરતા, હઠધર્મિતા અને દુઃખોનો વિનાશ કરશે. એ વિનાશ ભલે તલવાર વડે થાય કે કલમ વડે.