કરતારપુરનું મહત્વ શા માટે છે  
                                       
                  
				  				  
				   
                  				  કરતારપુરનું મહત્વ શા માટે છે 
	એક માન્યતા મુજબ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક 1522માં કરતારપુર ગયા હતા. તેમણે પોતાના જીવનના અંતિમ 18 વર્ષ ત્યાં વિતાવ્યાં હતાં.
				  										
							
																							
									  
	એવું માનવામાં આવે છે કે કરતારપુરમાં જે સ્થાને ગુરુ નાનક દેવનું અવસાન થયું હતું ત્યાં ગુરુદ્વારા બનાવવામાં આવ્યું હતું.
				  
	કરતારપુર સાહેબ પાકિસ્તાનમાં આવેલું છે પરંતુ ભારતથી તેનું અંતર માત્ર સાડા ચાર કિલોમિટર છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	અત્યાર સુધી શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કરતારપુર સાહેબનાં દર્શન કરતાં હતાં, તે પણ બીએસએફના જવાનોની હાજરીમાં.
				  																		
											
									  
	તરણતારણ જિલ્લામાંથી આવેલાં 65 વર્ષનાં હરિન્દર સિંઘ કહે છે, "આ બહુ જ મોટી વાત છે, આના કરતાં મોટી કોઈ ક્ષણ હોઈ શકે નહીં. અમે આખી જિંદગી આ ક્ષણની રાહ જોઈ છે. અમે બહુ જ ખુશ છીએ. "
				  																	
									  
	અન્ય એક સરહદનાં ગામથી આવેલા યાત્રાળુ બલવંત સિંઘ પોતાની ભૂરી પાઘડી સરખી કરતાં કહે છે, "અમે વર્ષોથી ગુરુનાનક દેવને પ્રાર્થના કરતાં હતા કે અમને આ જીવનમાં એક વખત તેમનાં આ ગુરુદ્વારાની મુલાકાત લેવા મળે, અંતે એ સાચું પડ્યું."
				  																	
									  
	પાકિસ્તાનમાં આવેલું આ પવિત્ર સ્થળ શીખ અને અન્ય પંજાબીઓ માટે ખૂબ મહત્ત્વનું છે કારણ કે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવે પોતાના જીવનનાં છેલ્લા 18 વર્ષ અહીં વિતાવ્યાં હતાં.
				  																	
									  
	12 નવેમ્બરે ગુરુ નાનકનો 550મો જન્મદિવસ છે, તે નિમિત્તે આ સીમા ખોલવામાં આવશે.
	ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હતી કે ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાનના આ ગુરુદ્વારાની મુલાકાત માટે વિના મૂલ્યે વિઝા આપવામાં આવશે.
				  																	
									  
	આ કરાર મુજબ દરરોજના 5,000 ભારતીય યાત્રાળુઓને ગુરુદ્વારા દરબાર સાહેબની મુલાકાત માટે મંજૂરી આપવામાં આવશે.