સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (17:57 IST)

ઉપવાસ કરીને પારણાં કરી લેતાં આરપારની લડાઈ લડવા વાળાને કોનો ડર લાગ્યો

પાસ નેતા હાર્દિક પટેલે જે નાટ્યાત્મક રીતે સમાજની લાગણીના નામે પારણા કરી લીધા તેના પાટીદારોના સોશિયલ મીડિયા પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પારણાને લઇને તેને નિશાન બનાવાયો છે. એક સપ્તાહ પૂર્વે હાર્દિક હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે એવી જાહેરાત કરી હતી કે, ‘મને ગ્લુકોઝની બોટલ ચડાવાઇ છે પણ જ્યાં સુધી માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન પૂર્ણ નહીં થાય.’ હાર્દિક હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ ફરીથી ઉપવાસ પર બેઠો ત્યારે પણ અમે કમજોર નથી તેવી ફરી જાહેરાત કરીને ઉપવાસ શરૂ કર્યા હતા

તેને એક સપ્તાહ પણ પૂર્ણ થયા પહેલા જ બિનશરતી ઉપવાસના પારણા કરી લીધા તેના કારણે અંદરખાને પાસનો જ એક વર્ગ અને રાજયભરમાં તેને ટેકો આપનારા ઘણા પાટીદાર આંદોલનકારીઓ પણ નારાજ છે. હવે ફરીથી હાર્દિક ઉપવાસ પર બેસે ત્યારે તેને હાલ જે વધતું-ઓછુ સમર્થન મળ્યું તે મળશે કે કેમ તે સવાલ પણ સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યો છે. 

હાર્દિકે ઉપવાસ પહેલા એવું કીધું હતું કે, મને મળવા પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનરજી, ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, કૌભાંડ બદલ જેલવાસ ભોગવતા લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ, પૂર્વ પીએમ દેવ ગૌડા, કોંગ્રેસના નેતા રાજબબ્બર વિગેરે આવશે. છેલ્લે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવશે તેની વાતો પણ પાસ દ્વારા ચલાવાતી હતી પરંતુ તેમાંથી કોઇ આવ્યું નથી. ઉલટાનું જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો હાર્દિકની છાવણીમાં સક્રિય હતા તે જોતા પાસ પાટીદારોની નહીં પણ કોંગ્રેસની સમિતિ હોય તેવો કટાક્ષ પણ કરાયો હતો.

જામનગરના પાસના એક અગ્રણીએ વીડિયો જાહેર કરીને હાર્દિક અને મનોજ પનારાને એવો સવાલ કર્યો છે કે સમાજના નેતાઓ સાથે તમારે શું સમજૂતી થઇ કે પછી સરકારે એવું કયું આશ્વાસન આપ્યું કે પારણા કરવાનો નિર્ણય લેવો પડ્યો તે સમાજ સમક્ષ જાહેર કરો. જો આરપારની લડાઇની વાતો કરતા હતા તેનો અર્થ જીત અથવા મૃત્યુ થાય છે ત્યારે જો મોતથી ડર લાગતો હોય તો પાસમાંથી રાજીનામુ આપી દેવા પણ જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર જ કેટલાકે હાર્દિકને ૨૦૧૫માં તેની લડતની હાકલ પર કેટલા પાટીદાર યુવાનોએ શહિદી વહોરી તેને યાદ કરાવી છે. તો હાર્દિકને તેના એ બોલ પણ યાદ કરાવ્યા છે કે મારૂ મૃત્યુ થશે તો ઘેર ઘેર હાર્દિક પેદા થશે ત્યારે પાસના દરેક કાર્યકર કે નવા હાર્દિક તેની લડાઇ આગળ વધારત તેવો વિશ્વાસ સમાજ પર નહોતો તેવો પણ પ્રશ્ન કર્યો છે. ખેડૂતો આશા લઇને બેઠા હતા પણ તેમનું એક રૂપિયાનું દેવુ પણ માફ થયું નથી.