Loksabha Election Vadodara Seat - વડોદરામાં નારાજગી ચરમસીમાએ પોસ્ટર વોર શરૂઃ ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’
Poster war begins in Vadodara
- ભાજપે સાંસદ રંજનબેનને રિપીટ કર્યા બાદ નારાજગી ચરમસીમાએ
- ધારાસભ્ય મનિષાબેન વકીલના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો
- બેનરમાં લખ્યું છે કે, 'સત્તાના નશામાં ચૂર 'ભાજપા' શું કોઇને પણ ઠોકી બેસાડશે?
વડોદરામાં ભાજપે સાંસદ રંજનબેનને રિપીટ કર્યા બાદ નારાજગી ચરમસીમાએ પહોંચી ગઈ છે.મોડીરાત્રે શહેરમાં ધારાસભ્ય મનિષાબેન વકીલના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા ચકચાર મચી ગઇ છે. શહેરમાં સંગમ સોસાયટી પાસે લાગેલા બેનરમાં લખ્યું છે કે, 'સત્તાના નશામાં ચૂર 'ભાજપા' શું કોઇને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય, કેમકે જનતા મોદી પ્રિય'. જ્યારે શ્રી વલ્લભ પાર્ક સોસાયટી પાસે એક બેનર લગાવાયું છે જેમાં લખ્યું છે કે, 'વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામા? જનતા માગે છે તપાસ'. તો ઝવેરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનરમાં 'મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં...' જેવા વિવિધ લખાણોવાળા બેનરો લાગ્યા છે.
Poster war begins in Vadodara
વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે બેનરો અંગે મીડિયાને જણાવ્યું હતું કે,મારા વિરુદ્ધ એક જ વ્યક્તિ કામ કરી રહી છે. જે વ્યક્તિ ભાજપા કાર્યકર પણ નથી, પરંતુ જ્યારથી મારા નામની ઉમેદવાર તરીકે જાહેરાત થઇ છે ત્યારથી મારા ભાજપના તમામ કાર્યકરો ખૂશ છે અને કામે લાગી ગયા છે. સંગમ ચાર રસ્તા વિસ્તારમાં લગાવેલા બેનરો અંગે સ્થાનિક વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજ મેળવીશું. ફૂટેજ આવ્યા બાદ જે વ્યક્તિ જણાઇ આવશે તેની સામે કાર્યવાહી કરીશું. જે વ્યક્તિ મારા વિરુદ્ધ કામ કરી રહ્યો છે તે મને અને ભાજપાને બદનામ કરી રહ્યો છે.
વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા મોટાભાગના ભાજપ હોદ્દેદારો-કાર્યકરોના વિરોધ વચ્ચે સાંસદ રંજનબહેન ભટ્ટને આશ્ચર્યજનક રીતે ત્રીજી વખત રિપીટ કરતા જ ભાજપમાં નારાજગીની શરૂઆત થઇ ગઇ હતી. જેમાં સૌથી મોટી પહેલાં ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડો. જ્યોતિબહેન પંડ્યાએ રંજનબહેન ભટ્ટ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો.સંગમ રોડ ઉપર અનેક જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવેલા છે. ત્યારે સંગમ રોડ ઉપર ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ લાગેલા બેનરો ક્યારે લાગ્યા? કોણે લગાવ્યા? તે અંગે ભાજપના ઉમેદવારના કેટલાંક અંગત સમર્થકો દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની સામે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા પૂર્વ મેયર ડો. જ્યોતિબહેન પંડ્યા, કરણીસેના તેમજ શહેરના નાગરીક ધર્મેશભાઈએ વડોદરા લોકસભા બેઠક ઉપર ત્રીજી વખત રિપીટ કરાયેલા રંજનબહેન ભટ્ટનો વિરોધ કરી ચૂક્યા છે. તેમાંય મોડીરાત્રે બેનરો લગાવી વિરોધ કરતા દિવસે-દિવસે રંજનબહેન ભટ્ટ વિરૂદ્ધ વિરોધ હવે વધી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં પણ વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.