સુરતમાં 11 વર્ષની બાળકીનું મોબાઈલમાં વીડિયો બનાવવામાં મોત થયું હોવાની આશંકા
સુરતમા બનેલો કિસ્સો વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો છે. બાળકોને નાની ઉંમરમાં આપવામા આવતા મોબાઈલ ફોન કેવી રીતે મુસીબત ઉભી કરી શકે છે. એ આ કિસ્સા ઉપરથી સાબિત થાય છે. વાલીઓએ બાળકોને મોબાઈલ આપતાં પહેલાં પોતે ચેતવું જરૂરી બન્યું છે. મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવાનો શોખ ધરાવતી નેપાળી પરિવારની 11 વર્ષીય બાળકીને ઘરમાં રમતાં રમતાં ફાંસો લાગી જતાં મોતને ભેટી હતી. મોબાઈલમાં વીડિયો બનાવવામાં મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
માતા નાના ભાઈને સાચવવાનું કહીને કામ પર ગઈ હતી એ દરમિયાન આ ઘટના બની હતી. મૂળ નેપાળના વતની હીરાભાઈ વર્ષોથી મહિધરપુરા, હીરાબજાર ખાતેના જદાખાડીમાં આવેલી સપના બિલ્ડિંગમાં વોચમેન તરીકે કામ કરી પરિવાર સાથે ત્યાં જ રહે છે. હીરાભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે, જે પૈકી બે પુત્રી વતનમાં રહે છે, જ્યારે નાની પુત્રી નિકિતા (ઉં.વ.11) અને પુત્ર નિખિલ તેમની સાથે રહે છે. દરમિયાન ગત શનિવારે બપોરે નિકિતા ઘરમાંથી લોખંડની બારીને બાંધેલા દુપટ્ટા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.નિકિતાને રમતાં રમતાં ફાંસો લાગી જતાં તેનું મોત નીપજ્યું હોવાનું મહિધરપુરા પોલીસ જણાવી રહી છે. તેણે મોબાઈલ ફોનમાં ગીતો ગાતા અને ડાંસ કરતા સંખ્યાબંધ વીડિયો બનાવ્યા હતા. વીડિયો બનાવવાના ચક્કરમાં તેને ફાંસો લાગી ગયો હોવાની તેમણે આશંકા વ્યક્ત કરી હતી. મૃતક નિકિતાની માતા ધનકલાબેને જણાવ્યું હતું કે ગયા વર્ષે જ નિકિતાનું બીજા ધોરણમાં એડમિશન કરાવ્યું હતું. રવિવારે બપોરે જમીને કામ પર જતાં પહેલાં માતાએ તેને નાના ભાઈ નિખિલને સાચવવા માટે કહી ઘરમાંથી બહાર નહીં નીકળવા કહ્યું હતું. પીએમ કરનારા સ્મિમેરના ડો. આશિત ગામીતે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં પણ ફાંસો લાગવાથી મોત થયાની હકીકત સામે આવી છે. કંઈ શંકાસ્પદ જણાયું નથી.