CNG pumps closed- આજે રાજ્યના 1200 સીએનજી પંપ બંધ રહેશે, જાણો કેમ
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચી છે. જેથી લોકોને પેટ્રોલ અને ડીઝલના વાહનો પોસાતા નથી. જેથી લોકો હવે સીએનજી તરફ વળ્યા છે. ત્યારે સીએનજીના પંપ સંચાલકો કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે.પરંતુ ઓઈલ કંપનીઓ કોઈ દાદ આપતી ન હોવાથી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિનની માથાકૂટ ચાલી રહી છે. જોકે 1 જુલાઈ 2019માં માર્જિન વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 30 મહિના વીતી ગયા છે પરંતુ ઓઇલ કંપની દ્વારા માર્જિન વધારવામાં આવ્યુ નથી. અનેક વખતની રજુઆત બાદ કોઈ સમાધાન ન થતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યના તમામ 1200 સીએનજી પંપ પર આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીના બપોરે 1થી 3 સીએનજી ગેસ વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર જણાવે છે કે સીએનજી નું ડીલર માર્જિન તા 1 જુલાઇ 2019 ના રોજ વધારવાનું નક્કી કરેલ જેને આજે 30 મહિના થઇ ગયા છતાં અમારા ડીલર માર્જિનમાં કોઈ વધારો થયેલ નથી. આ બાબતે અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરેલ છે,પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લીધી નથી. માટે ના છૂટકે અમારે અભિયાન કરવાનું નક્કી કરવું પડ્યું છે, આવતીકાલે 17 ફેબ્રુઆરી 2022 ને ગુરુવારે ગુજરાતના તમામ 1200 સીએનજી પમ્પ બપોરે 1 કલાક થી 3 કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખશે. અમારા ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.
હાલ પેટ્રોલ ઉપર પ્રતિલીટરે રૂા.3.12 અને ડિઝલમાં પ્રતિલીટરે રૂા.2.08 તેમજ સીએનજીમાં રૂા.1.80 કમિશન આપવામાં આવે છે. જે હાલની સ્થિતીએ ઓછું છે. અગાઉ પણ એસોસીએશન દ્વારા એક અઠવાડીયા સુધી વિવિધ પ્રકારે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે કંપનીએ કમિશન વધારવાની વાત કરી હતી. પરંતુ, 30 મહિના જેટલો સમય થવા છતાં પણ માર્જિનમાં વધારો નહીં થતાં અમારે ફરી આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.