ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (08:38 IST)

ગુજરાતમાં ત્રીજી લહેર પુરી! બે વર્ષ બાદ આજથી રાજ્યભરમાં આંગણવાડી તથા પ્રી - સ્કૂલ થશે શરૂ

રાજ્યભરની શાળા-કોલેજો ઓનલાઈન વિકલ્પની સાથે સાથે ઓફલાઈન શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી બાલ મંદિર, બાળકો માટેની પ્રિ-સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય સદંતર બંધ છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજથી  55,000 બાલ મંદિર અને પ્રિ-સ્કૂલમાં ભણતા 25 લાખ બાળકો માટે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તે સંપૂર્ણપણે ઓફલાઈન હશે કે ઓનલાઈનનો વિકલ્પ હશે, તે હજુ નક્કી કરવાનું બાકી છે.
 
દેશમાં પ્રથમ લોકડાઉન 24 માર્ચ 2020થી લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે અગાઉ 15 માર્ચે જ શાળા-કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે બાલ મંદિર, પ્રિ-સ્કૂલ અને શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. હવે 17 ફેબ્રુઆરીથી એટલે કે આજથી પ્રિ-સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. પ્રિ-સ્કૂલ અને આંગણવાડી સંચાલકોએ વાલીઓ પાસેથી સંમતિ પત્ર લેવાનો રહેશે. આ સાથે કોરોનાના SOPનું પણ પાલન કરવું પડશે. શિક્ષણ મંત્રીએ લોકડાઉનના કારણે બાળકોના શિક્ષણને જે નુકસાન થયું છે તેના માટે એક્શન પ્લાન તૈયાર કરવાની જાહેરાત કરી હતી.
 
માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. માસ્ક પહેર્યા વિના શાળામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મિત્ર, સહાધ્યાયી સાથે વાત કરતી વખતે અંતર જાળવવું પડે છે. શાળામાં પ્રવેશતી વખતે અને પછી સમયાંતરે તમારા હાથ સેનિટાઈઝર વડે હાથની સફાઇ કરવાની રહેશે. શિક્ષકો દ્વારા આપવામાં આવેલી તમામ માહિતીનું પાલન કરવાનું રહેશે.
 
બાળકોને શાળાએ મોકલવા માટે વાલીઓએ સહી સાથે સંમતિ પત્ર આપવાનું રહેશે. બાળકોને શાળાએ લઈ ગયા પછી તેઓ બહાર ભીડમાં ઊભા રહી શકશે નહીં. શાળાએ આવતી વખતે દરેક વ્યક્તિએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. બાળકોને કોરોનાની માર્ગદર્શિકા વિશે જાણ કરવી પડશે અને શાળામાં તેનું પાલન કરવું પડશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે કોરોનાના માત્ર 884 કેસ આવ્યા હતા. તો બીજી તરફ 2688 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,97,983 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.34 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્માં આજે કુલ 1,68,132 રસીના ડોઝ અપાયા હતા. 
 
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 9378 દર્દીઓ એક્ટિવ કેસ છે. જે પૈકી 70 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 9380 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 1,19,7983 દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10851 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 13 નાગરિકોનાં મોત થયા હતા.