સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 માર્ચ 2021 (08:37 IST)

વર્ષ ૧૯૩૦માં ગાંધીજીએ એરથાણ ગામની આંબાવાડી અને ગામખડી ગામે કર્યો હતો વિસામો

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રા ઓલપાડ તાલુકાના ઉમરાછીથી નીકળી બપોરે એરથાણ ગામે આવી પહોચી હતી. ગ્રામજનોએ યાત્રીઓનું ફુલહાર, સૂતરની આંટીથી ભવ્ય સ્વાગત કર્યું હતું.
વર્ષ ૧૯૩૦માં ૭૯ પદયાત્રિકો સાથે દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું ૨૯મી માર્ચ, ૧૯૩૦ ના રોજ ઓલપાડ તાલુકાના બપોરે એરથાણ ગામે પ્રવેશ કર્યો હતો. ગામના ૭૯ વર્ષીય માજી સરપંચશ્રી ચીમનભાઈ પટેલે જણાવ્યું કે, મારા પિતાજી ઘેલાભાઈ નાથુભાઈ પટેલ ગાંધીજીના આગમન સમયે ૨૨ વર્ષના હતા. 
તેઓ કહેતા હતા કે, ગાંધીજી ઉનાળાના ધોમધખતા તાપમાં અમારા ગામમાં આવ્યા હતા. એરથાણ ગામમાં તળાવના કિનારે આંબાવાડી તથા ગામખડી ખાતે દસેક આંબાના ઝાડ અને ચારેક જાંબુડાના વૃક્ષોના છાંયડામાં ગાંધીજીએ વિશ્રામ કર્યો હતો. આ ગામની માટી પોતાના મસ્તક પર લગાવીને ઉંચ-નીચના ભેદભાવ દુર કર્યા હતા. ગામના દરેક લોકોએ ઘરેથી રોટલા અને શાક લાવીને બાપુ તથા દાંડીયાત્રિકોને જમાડયા હતા. 
 
જ્યારે પણ અમારા ગામમાં કોઈ પદયાત્રી આવે ત્યારે ગ્રામજનો તેમને જમાડયા વિના જવા ન દે તેમ કહેતા ચીમનભાઈ ઉમેરે છે કે, સરકારે ગાંધીજીના વિચારોથી આજની યુવા પેઢી અવગત થાય તે માટે દાંડીયાત્રા યોજી તે અભિનંદનીય છે. અગાઉ ઓસ્ટ્રેલિયન દંપતિ જેમ્સ થોમસ, એક તિબેટીયન નાગરિકોના સમૂહ દ્વારા પણ યાત્રા યોજવામાં આવી હતી.
 
૭૯ પદયાત્રીઓ સાથે નીકળેલી યાત્રા આજે એરથાણ ખાતે આવી પહોચી હતી મુળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કંડોલી ગામના નૈતિક એચ. દેસાઈ જે અમદાવાદથી પદયાત્રી તરીકે જોડાયેલા છે તેઓ પોતાના અનુભવો વર્ણવતા કહે છે કે, મારા જીવનના આ અવિસ્મરણીય દિવસો છે. વર્ષો પહેલા જે રસ્તેથી ગાંધીજી ચાલ્યા હતા તે રસ્તા, ગામોમાં થઈને આજે અમે ચાલી રહ્યા છે. 
 
ગામે ગામ અમારૂ અંતરના ઉમળકાથી ફુલો વરસાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો જન જન સુધી પહોચે તેમજ લોકોમાં સર્વધર્મ સમભાવ, સ્વાવલંબન, નિકટતા, બંધુતાની ભાવના જનસામાન્ય સુધી પહોચે તે આ દાંડી-યાત્રાનો ઉદ્દેશ છે.
 
એરથાણ ગામની નાની વયની સંસ્કૃતિ પટેલ ભારતમાતાની વેશભુષા ધારણ કરીને દાંડી-યાત્રામાં જોડાઈ હતી. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી સંસ્કૃતિ કહે છે કે, અનેક વીરોએ પોતાના બલિદાનો આપ્યા બાદ દેશને મહામુલી આઝાદી મળી છે, ત્યારે ભારતમાતાનો વેશ ધારણ કરતા અનહદ આનંદની અનુભૂતિ થઈ છે.