ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: આણંદ: , શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (11:30 IST)

મલેશિયામાં ફસાયેલા 3 ગુજરાતી યુવકોએ સોશિયલ મીડિયા પર માગી મદદ

હાલમાં 3 ગુજરાતી યુવકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ યુવકોએ મલેશિયામાં  એજન્ટ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનું જણાવી રહ્યાં છે. જેને લઇ યુવકોના માતા પિતાએ આ વિશે સાંસદ મિતેષ પટેલને જાણ કરી હતી. પોતાના સંતાનોને બચાવવા માટે માતા પિતાએ વિદેશ મંત્રાલયનો દરવાજો ખખડાવ્યો છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પીપરી ગામના ત્રણ યુવકો મલેશિયા નોકરી કરવા માટે ગયા હતા. આ ત્રણેય યુવકોના ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી પરિવારે જેમતેમ કરી તેમને મલેશિયા નોકરી કરવા માટે મોકલ્યા હતા. પિયુષ પટેલ, સુનિવ પટેલ અને હિમાંશુ પટેલ આ ત્રણેય યુવકોએ મલેશિયા પહોંચી થોડા સમય માટે હોટલમાં કામ કર્યું પરંતુ ત્યારબાદ એજન્ટ દ્વારા વર્ક પરમીટ ના આપતા આ ત્રણેય યુવકો ત્યાં ફસાઇ ગયા છે.
 
ત્યારે આ ત્રણેય યુવકોએ તેમના માતા પિતાને આ અંગે જાણ કરી હતી. પોતાનો દિકરો વિદેશમાં ફસાયો હોવાની જાણ થતા જ પરિવાર આણંદના સાંસદ મિતેશ પટેલ પાસે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ તેમને કરી હતી. ત્યારે સાંસદ મિતેશ પટેલે આ બાબતની જાણ વિદેશ વિભાગને કરી હતી અને તેઓએ મલેશિયામાં ભારતીય દૂતાવાસને આ ઘટના અંગે જાણકારી આપી આ ત્રણેય યુવકોનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે.
 
અંતે સાંસદની મદદથી યુવકો પરત ઘરે આવે તેવી પરિવારજનોને આશા છે. તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને યુવાનોને મલેશિયાથી હેમખેમ પરત ભારત લાવવા પ્રયાસો શરૂ કરાયાં હતાં. ત્યારબાદ મોડી સાંજે 3 યુવાનોને ભારતીય એમ્બેસીમાં લવાયા હતાં. આ અંગેની પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ 2-3 દિવસ બાદ આ યુવાનોને પરત ભારત આવી જશે. આ સમાચારની જાણ થતાં પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો.