ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 ઑગસ્ટ 2020 (09:15 IST)

રાજ્ય સરકારના આ કર્મચારીઓને મળશે ૭મા પગારપંચનો લાભ, નિતિન પટેલે કરી જાહેરાત

ગુજરાત સરકારની ગ્રાન્ટ-સહાયથી ચાલતી અમદાવાદ મેડિસીટી કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલ અને કીડની હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી સારવાર ખૂબ સારી રીતે આપવામાં આવે છે. આ બંને હોસ્પિટલોમાં ગુજરાત રાજ્યની સાથે સાથે પડોશી રાજ્યો એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર મેળવે છે.
 
નિતિન પટેલે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ સાયન્સીઝ પણ ચલાવવામાં આવે છે. જ્યાં કીડનીની સારવાર માટેના નિષ્ણાંત ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફને તબીબી શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. આ ત્રણેય સંસ્થાઓમાં ડૉક્ટરો સહિત ૧૨૦૩ જેટલા મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ ફરજ બજાવે છે. 
 
આ સંસ્થાઓના નિયામકશ્રીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ સમક્ષ આ બંને હોસ્પિટલોના કર્મીઓને ૭મા પગારપંચનો લાભ આપવાની રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે કેન્સર, કીડની હોસ્પિટલ અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીઝના ડૉક્ટરો તથા પેરા મેડીકલ સ્ટાફ માટે તા.૧/૧/૧૬ થી અમલમાં આવે એ મુજબ ૭મા પગાર પંચની મંજૂરી આપી છે અને હવે તા.૧/૮/૨૦૨૦થી ૭મા પગારપંચ પ્રમાણે પગાર આપવામાં આવશે.
 
તેમણે ઉમેર્યુ કે, કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફને શક્ય બને એ બધી જ મદદ કરવામાં આવી રહી છે જેના કારણે આરોગ્ય વિભાગ સહિત ખાનગી તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં કોરોનાને લડત આપવા અને દર્દીઓની સેવા કરવામાં અગ્રેસર રહ્યા છે.  આમ, રક્ષાબંધન પર્વ નિમિત્તે આ ત્રણેય સંસ્થાના કર્મચારી ભાઇ-બહેનોને રાજ્ય સરકાર તરફથી રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે.