મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 29 જૂન 2023 (16:37 IST)

ઘરમાં રોકડા રૂપિયા રાખતાં ચેતજો, બેડરૂમના કબાટમાંથી 9 લાખ રોકડા અને 2600 ડોલરની ચોરી

શહેરમાં ઘરફોડ ચોરીના કેસમાં વધારો થતાં પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયાં છે. ચોરી કરનારા લોકો સવારે મકાનોની રેકી કરીને રાત્રે ચોરીને અંજામ આપતાં હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે. ત્યારે શહેરમાં એલિસબ્રિજ વિસ્તારમાં એક મકાનના બેડરૂમમાંથી 9 લાખ રોકડા અને 2600 અમેરિકન ડોલરની ચોરી થતાં હાહાકાર મચી ગયો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં માણેકબાગ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રહેતા મહેન્દ્રભાઈ ઠક્કર તેમના પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે તેઓ તેમના બેડરૂમમાં સુઈ ગયેલ હતાં. રાત્રે બારેક વાગતાં તેમની ઊંઘ ઉડી હતી અને આસપાસ જોતાં કોઈ દેખાયું નહોતું ત્યાર બાદ તેઓ ફરીવાર સુઈ ગયા હતાં. પરંતુ સવારે સાતેક વાગ્યે ઉઠીને જોયું તો તેમના બેડરૂમના વોર્ડડ્રોપના કબાટના બંને દરવાજા ખુલ્લા હતાં અને કબાટમાં સામાન વેરવિખેર પડ્યો હતો. 
 
તેમણે ઘરમાં તપાસ કરતાં બીજા બેડરૂમમાં આવેલ ટફન ગ્લાસ વાળી બારીમાંથી ચોરોએ ઘરમાં પ્રવેશ કરીને તેમના બેડરૂમમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી 9.50 લાખ રૂપિયાની 500ની નોટોના 19 બંડલ તથા 2600 પાઉન્ડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતાં. તેમણે તેમના નાના ભાઈને પુછતાં આ ડોલરના બંડલ તેમણે રાખ્યા હતાં. જેથી ઘરમાં 11.63 લાખની ચોરી થતાં મહેન્દ્રભાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.