શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (08:12 IST)

5 વર્ષમાં પ્રથમવાર રાજ્યમાં એક જ દિવસમાં 944 નવા કેસ; અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ કેસ

ટીબીના રોગને નાબૂદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમર કસી છે. હાલમાં ટીબીના એક્ટિવ કેસને શોધીને ટીબીને વધતો અટકાવવા માટે રાજ્યના સ્ટેટ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ‘એક્ટિવ કેસ ફાઇન્ડિંગ એક્ટિવિટી’ની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રથમવાર ગત 18 સપ્ટેમ્બરે રાજ્યમાં રેકોર્ડબ્રેક 944 ટીબીની એક્ટિવ કેસ નોંધાયા છે. સ્ટેટ ટીબી ઓફિસર અને સંયુક્ત નિયામક (ટીબી) ડો. સતીષ મકવાણા જણાવે છે કે, સામાન્ય રીતે રાજ્યમાં રોજના 500થી 600 દર્દીની નોંધણી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલની કોરોના રસીકરણ અને અતિવૃષ્ટિની કામગીરી વચ્ચે એન.ટી.ઈ.પી.ના સ્ટાફની જહેમતથી ગત 18 સપ્ટેમ્બરના એક જ દિવસમાં ટીબીના રેકોર્ડબ્રેક 944 કેસની નોંધણી કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટીબીને નાબૂદ કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે. જેથી આ ધ્યેયને સિધ્ધ કરવા માટે ટીબીના તમામ દર્દીને વહેલા શોધીને તાત્કાલિક સારવાર આપવાથી ટીબીની સંક્રમણની ચેઇન તોડીને ટીબીના નવા કેસનું પ્રમાણ ઘટાડી શકાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા ‘એક્ટિવ કેસ ફાઇન્ડિંગ એક્ટિવીટી’ પ્રારંભ કરાયો છે. જેના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ટીબી કંટ્રોલ, ગાંધીનગર દ્વારા 16 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં ટીબી કંટ્રોલની કામગીરી હાથ ધરાઇ છે. ટીબી નિવારણ વિભાગ દ્વારા ટીબીની તપાસ માટે ગુજરાતમાં અત્યાધુનિક સાધનો ધરાવતી લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. ટીબીના નિદાન માટે ગુજરાતમાં 2071 ડેઝિગ્નેટેડ માઈક્રોસ્કોપિક સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી, 71 સીબીનાટ લેબોરેટરી અને 77 ટ્રુનાટ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. શહેરી અને ગ્રામ્ય કક્ષાએ 38380 ડોટ સેન્ટરો બનાવવામાં આવ્યાં છે, જ્યારે ગંભીર પ્રકારના ડ્રગ રેજિસ્ટન્ટ ટીબીની સારવાર માટે 5 નોડલ ડીઆર ટીબી સેન્ટર કાર્યરત છે. આ સાથે ખાનગી ક્ષેત્રના 80થી 90 ટકા ડોક્ટરોને સરકારના ટીબી નિવારણ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલતી ટીબી કંટ્રોલની કામગીરી અંતર્ગત રોજના 500થી 600 નવા કેસ નોંધાતા હોય છે. જોકે ‘એક્ટિવ કેસ ફાઇન્ડિંગ એક્ટિવિટી’ અભિયાન અંતર્ગત 18 સપ્ટેમ્બરે લીંબડીમાં કરાયેલી કામગીરીમાં એક જ દિવસમાં 944 નવા કેસ નોંધાયા છે. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં પ્રથમવાર એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 944 નવા ટીબીના કેસ નોંધાયા છે.