સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (16:44 IST)

વડોદરામાં સ્વાઇન ફ્લૂથી 57 વર્ષીય દર્દીનું મોત

swine flu
swine flu
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે. કોમોર્બિડિટી ધરાવતા દર્દી તુષાર ચંદ્રકાન્ત શાહને 31 ડિસેમ્બરના રોજ રાત્રે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતાં ગ્લોબલ હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. તેમને 7 દિવસથી કફ હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેમજ ઊલટી પણ થતી હતી.

દર્દી વિવિધ પ્રકારની બીમારીઓથી પીડાતા હતા. 12 વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી. 3 વર્ષથી કેન્સર હતું. 10 મહિનાથી હ્રદયરોગની બીમારી હતી. આ ઉપરાંત છેલ્લા 9 મહિનાથી તેઓ હાઇપરટેન્શનની બીમારીથી પીડાતા હતા. તેમને 2 ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ છેવટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.વડોદરની સયાજી હોસ્પિટલના RMO ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે જ્યારે સ્વાઇન ફ્લૂના દર્દીનાં ફેફસાં ડેમેજ થાય ત્યારે તેનું મોત થઈ શકે છે. આજે દર્દીનું મોત થયું, તેઓ વિવિધ પ્રકારની બીમારીઓથી પીડાતા હતા.

H1N1 વાઇરસ એટલે સ્વાઈન ફ્લૂ. આ રોગ ઇન્ફ્લુએન્ઝા A વાઇરસને કારણે થાય છે. સ્વાઇન ફ્લૂ શ્વાસથી ફેલાતી બીમારી છે. એના વાઇરસ ડુક્કરમાં જોવા મળે છે અને એ લોકોમાં H1N1 નામના વાઇરસથી ફેલાય છે. એ અન્ય સામાન્ય વાઇરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોન્ગ છે. મોં વાટે એ શ્વાસનળીમાં જઈને ફેફસાંમાં પહોંચે છે અને ત્યાંના કોષોને મારી નાખે છે.સ્વાઈન ફ્લૂ વાઇરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાઇરસને મળતો આવે છે. સીઝનલ તાવ, શરદી-ઉધરસ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાઇસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢું, નાક કે શરીરનાં અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગે છે. સતત બે દિવસ સુધી એકાએક ઠંડી સાથે 101થી 104 ડિગ્રી તાવ આવતો હોય અને શ્વાસમાં વધુ તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઇએ.