સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 18 મે 2023 (13:23 IST)

Ahmedabad Crime - અમદાવાદમાં સુરત જેવો ગ્રિષ્માકાંડઃ એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષા ચાલકે પરીણિતાના ગળે છરી મારી દીધી

ahmedabad crime news
- પુત્રને સ્કૂલે મુકવા જતાં પરીણિતા રિક્ષા ચાલક સાથે વાત કરતી હતી એમાં રિક્ષા ચાલક પ્રેમમાં પાગલ થઈ ગયો હતો
- પરીણિતાના ઘરે લગ્નની માંગ કરવા માટે રિક્ષા ચાલક તેના પરિવાર સાથે પહોંચી ગયો હતો
 
 સુરતમાં થયેલા ગ્રિષ્મા હત્યાંકાંડ જેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે. આજે અમદાવાદ શહેરમાં પરીણિતા પાછળ એકતરફી પ્રેમમાં પાગલ થયેલા રિક્ષા ચાલકે પરીણિતાના ગળામાં છરી મારતાં તે લોહિલુહાણ થઈ ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પરિણીતા પોતાના પુત્રને સ્કૂલે મૂકવા માટે આ રિક્ષા ચાલકની રિક્ષામાં જતી હતી. તે દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો પણ રિક્ષા ચાલક આ પરીણિતાના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. પોલીસે રિક્ષા ચાલકને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
રિક્ષા ચાલક પરીણિતાના પ્રેમમાં પડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન રાજસ્થાનમાં સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. તેને લગ્ન બાદ એક સંતાન થયું હતું. પતિ સાથે અણબનાવ થતાં તે પોતાના સંતાનને લઈને અમદાવાદ પિતાના ઘરે આવી ગઈ હતી. તેણે બાળકને નજીકની સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું. પરીણિતા તેના બાળકને  સ્કૂલે મૂકવા જવા માટે રીક્ષામાં જતી હતી. તે રોજ એક જ વ્યક્તિની રિક્ષામાં જતી હતી.  જેથી તેને રીક્ષા ચાલક નવીન કોસ્ટી સાથે ઓળખાણ થઈ હતી. નવીન કોસ્ટી અને આ પરીણિતા એકબીજા સાથે વાતો કરતા હતા. આ સમયે નવીન પરીણિતાના પ્રેમમાં પડ્યો અને તેને પામવા માટે પ્રયાસ કરવા લાગ્યો હતો. 
 
લગ્નની ના પાડતાં ઉશ્કેરાયો અને છરી મારી
આ પરીણિતા રિક્ષા ચાલક નવિન સાથે વાતો કરતી હતી પણ નવીન સાથે લગ્ન કરવા તેનો કોઈ વિચાર નહોતો. નવિન તેના પરિવારને લઈને પરીણિતાના ઘરે પહોંચી ગયો હતો. તેણે બધાની હાજરીમાં પરીણિતાને લગ્ન માટે કહ્યું હતું. પણ પરીણિતાએ છુટાછેડા નહીં થયા હોવાથી લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. આ દરમિયાન પ્રેમમાં પાગલ થયેલો રિક્ષા ચાલક નવીન જીદ પકડીને બેઠો હતો. તેણે પરીણિતાને ગળાના ભાગે તથા હાથના ભાગે છરીના ઘા માર્યા હતાં. ઘાયલ થયેલી પરીણિતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. આરોપી રિક્ષા ચાલકને સરદારનગર પોલીસે પકડી લીધો હતો.