ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (13:41 IST)

અમદાવાદમાં ગઠિયાએ ઝેરોક્ષ અને કોમ્પ્યુટર શોપના સંચાલકને રૂપિયા 1.32 લાખનો ચુનો લગાવ્યો

Fraud
નારણપુરા સરદાર પટેલની બાવલા પાસે સ્ટેશનરી શોપ ધરાવતા એક વેપારી સાથે પોરબંદરમાં રહેતા એક ગઠિયાએ રૂપિયા 52 હજારની સ્ટેશનરી ખરીદી કર્યા બાદ વેપારીના મિત્ર પાસેથી 81 હજારનું લેપટોપ મેળવીને રૂપિયા 1.32 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે અંગે નારણપુરા પોલીસે  છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીએ મુળ માલિકની જાણ બહાર ઓફિસ ખોલીને આબાદ રીતે ઠગાઇ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

નારણપુરા સકલ એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ શાહ નારણપુરા સરદાર પટેલના બાવલા પાસે આવેલા ઐશ્વર્યા કોમ્પ્લેક્સમાં ઝેરોક્ષ અને સ્ટેશનરી શોપ ધરાવે છે. ગત બીજી ફેબ્રુઆરીએ  મેહૂલ શાહ તેમની દુકાન પર હાજર હતા ત્યારે એક વ્યક્તિ આવ્યો હતો. તેણે મેહુલભાઇને ફોન આપીને કહ્યું હતું કે મારા શેઠ સાથે વાત કરો. જેથી મેહુલભાઇએ ફોન પર વાત કરતા સામેથી વાત કરતા વ્યક્તિએ પોતાની ઓળખ જયેશ નરોત્તમભાઇ રાઠોડ તરીકે આપી હતી. તેણે કહ્યું હતું કે આ મારો ડ્રાઇવર છે. તે સ્ટેશનરી માંગે તે આપી દેશો અને તેની પાસેથી પાંચ હજારનો ચેક લઇ લેજો. અને તેની પાસે સ્ટેશનરીનું લિસ્ટ છે. તે વસ્તુ કાલે મંગાવી દેજો. જેથી તેણે વિશ્વાસ કરીને સ્ટેશનરી આપીને ચેકને બેંકમાં જમા કરાવતા ક્લીયર થઇ ગયો હતો.

જે બાદ બીજા દિવસે જયેશે મંગાવેલી સ્ટેશનરી  મંગાવી હતી. જેની કિંમત 52 હજાર જેટલી હતી. જે લેવા માટે જયેશ રાઠોડે ડ્રાઇવર મોકલ્યો હતો અને પેમેન્ટ લેવા માટે  મેહુલભાઇ સરદાર પટેલના બાવલા નજીકના શિવસાગર કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં ગયા હતા. જ્યાં જયેશ રાઠોડે 49 હજારનો ચેક આપ્યો હતો અને વિશ્વાસ કેળવીને કહ્યું હતું કે  તેને એક લેપટોપની જરૂર છે.જેથી મેહુલભાઇએ વાડજમાં લેપટોપ-કોમ્પ્યુટરનો વેપાર કરતા તેમના મિત્ર નિતીનભાઇ પાસેથી રૂપિયા 81 હજારનું લેપટોપ મંગાવી આપ્યું હતું. જેની સામે જયેશે ચેક આપ્યો હતો. બીજા દિવસે જ્યારે ચેક ખાતામાં જમા કરાવવા માટે બેંકમાં આપ્યો ત્યારે ખબર પડી હતી કે જયેશે બંને ચેક પર સ્ટોપ પેમેન્ટ કરેલું છે. જેથી શંકા જતા ઓફિસ પર જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશે હજુ ઓફિસ ભાડે રાખી જ નહોતી. પ્રાથમિક તપાસમાં જયેશ ઓમ એવન્યુ કમલા બાગ પોરબંદરનો રહેવાસી હતો અને તેણે આ મોડસ ઓપરેન્ડીથી અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.