મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (13:04 IST)

એક અનોખી અને સંઘર્ષમય કહાની: સારા પગારવાળી નોકરી છોડીને આ યુગલે કલાને આપ્યું પ્રાધાન્ય

સુરતના આંગણે આયોજિત 'હુનર હાટ'માં દેશના વિવિધ રાજ્યના કલાકસબીઓએ તેમની કલાના પ્રદર્શન દ્વારા સુરતીઓને અચંબિત કર્યા છે. કોઈ પરંપરાગત વ્યવસાયને આગળ વધારી રહ્યું છે, તો અમુક કલાઉસ્તાદો તેમના સ્વરોજગારીના સ્વપ્નને 'હુનર હાટ'ના માધ્યમથી સાકાર કરી રહ્યાં છે. દરેક સ્ટોલ્સના માલિકની એક અનોખી અને સંઘર્ષમય કહાની છે, જેમાંના એક એટલે મૂળ છત્તીસગઢના અને હાલ મહારાષ્ટ્રમાં રહેતાં ૩૩ વર્ષીય શાલિની સાહુ.
 
આ યુવા ઉદ્યમી પેપર ફ્લાવર, ન્યુઝપેપર ડોલ તેમજ સ્ટોન પેન્ટિંગની કલાને સ્વરોજગારીમાં પરિવર્તિત કરવામાં સફળતા મેળવી છે, સાથોસાથ અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી આપવામાં નિમિત્ત બન્યાં છે. પાંચ વર્ષના ઉદ્યમની સફર આજે તેમને સફળતા અને આત્મનિર્ભરતા સુધી દોરી ગઈ છે. સાથોસાથ તેઓ પરિવારની આજીવિકા ચલાવવામાં પણ મદદગાર બન્યાં છે. વિશેષ વાત એ છે કે, સુશિક્ષિત સાહુ દંપતિએ સારા પગારવાળી નોકરી છોડી સાથે મળીને કલા અને ક્રાફ્ટના સમન્વયથી સમૃદ્ધિ મેળવી છે.
 
શાલિનીબેન અને તેમના પતિ મુંબઈના થાણેમાં રહી સ્વરોજગાર કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, 'હું કાઉન્સેલિંગ સાઈકોલોજિસ્ટ છું, અને મારા પતિએ સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પતિની રૂચિ લાઈવલીહુડમાં હતી, જ્યારે મને આર્ટ અને ક્રાફ્ટમાં વધુ રસ હતો. અમે સાથે મળી વિચાર કર્યો કે બંને ક્ષેત્રનો સમન્વય કરી આર્ટમાં લાઈવલીહુડ જીવંત રાખીએ. આ વિચાર સાથે વર્ષ ૨૦૧૭માં અમારી સફરની શરૂઆત મુંબઈની વેલેન્ટાઈન ડે માર્કેટથી કરી. 
 
જ્યાં અમારા પાઈલોટ પ્રોજેક્ટના ભાગરૂપે પેપર ફલાવરના ૬૦,૦૦૦ ગુલાબનું વેચાણ કરી સફળતાનું પ્રથમ પગલું ભર્યું. લોકોના ઉત્સાહવર્ધક પ્રતિસાદથી અમને નવું જોમ અને જુસ્સો મળ્યો. અમારા ગ્રાહકોના પ્રોત્સાહન અને પ્રેમના કારણે તેમજ કેન્દ્ર સરકારના સહયોગથી આજે હું અહીં સુરતના 'હુનર હાટ'માં મારો સ્ટોલ લગાવી શકી છું. સુરતીઓ પણ મારી આર્ટ એન્ડ ક્રાફ્ટની ચીજોને મોટી સંખ્યામાં ખરીદીને અમારો ઉત્સાહ વધારી રહ્યાં છે એમ એમણે ઉમેર્યું હતું.
 
શાલિની વધુમાં જણાવે છે કે, ‘નાનપણથી જ મને આર્ટવર્કનો ખુબ શોખ હતો. કેનવાસ પેન્ટિંગમાં પણ મેં પ્રવીણતા મેળવી છે. મારા પતિ ગવર્નમેન્ટના 'સ્કિલ ઇન્ડિયા' અભિયાનમાં કાર્યરત હતા, તેમ છતાં સારા વેતનવાળી નોકરી છોડી તેઓએ મારી સાથે આર્ટ અને ક્રાફ્ટ મેકિંગને પ્રાધાન્ય આપ્યું. આજે અમારી સાથે અન્ય પાંચ મહિલાઓ જોડાઈ છે અને આત્મનિર્ભર બની છે. મારી કલા થકી અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી મળી રહી છે, જેનો મને અતિ આનંદ છે તેમ તેમણે ગર્વથી કહ્યું હતું.