ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2022 (12:19 IST)

સોશિયલ મીડિયામાં પ્રચારમાં 'આપ' સૌથી વધુ સક્રિય, કોંગ્રેસ નીરસ

social media
ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે મતદારો સુધી પહોંચવા જાહેરસભા, ડોર ટુ ડોર પ્રચાર જ નહીં હવે સોશિયલ મીડિયા પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષ-ઉમેદવાર વોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માત્ર ગણતરીની મિનિટમા લાખો મતદારો સુધી પોતાની વાત પહોંચાડી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય મુખ્ય પક્ષ, ઉમેદવારો સોશિયલ મીડિયાના આ માધ્યમનો પુષ્કળ ઉપયોગ કરી રહ્યા છે.   
 
ચૂંટણી નજીક આવતાં ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ, આપ દ્વારા સોશિયલ મીડિયા વોર રૃમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉમેદવારોની સોશિયલ મીડિયાની એક વિશેષ ટીમ સક્રિય થઇ ગઇ છે. જેમાં ઉમેદવારે પ્રચાર માટે ક્યા ંમુલાકાત લીધી, દિવસનો કાર્યક્રમ શું રહેશે તેની માહિતી આપવામાં આવે છે. પક્ષ કે ઉમેદવાર વિરુદ્ધ હરીફો દ્વારા કોઇ પ્રચાર કરવામાં આવે તો તેને કઇ રીતે કાઉન્ટર કરવા, હરીફ પક્ષ કે ઉમેદવારની વિવાદાસ્પદ કોમેન્ટને કઇ રીતે વાયરલ કરવી તે સોશિયલ મીડિયા ટીમની મુખ્ય કામગીરી હોય છે. કેટલાક ઉમેદવારોએ અંગત સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅનસર્સની પણ મદદ લીધી છે. જેમના ફોલોઅર્સ ખૂબ જ વધારે હોવાથી તેઓ તેમના એકાઉન્ટ થકી તે ઉમેદવારનો પ્રચાર કરે છે. 
 
૨૧થી ૨૭ નવેમ્બર એટલે કે વિતેલા સપ્તાહ દરમિયાન ત્રણેય મુખ્ય પક્ષની સોશિયલ મીડિયા પર ગતિવિધિની વાત કરવામાં આવે તો તેમાં કોંગ્રેસે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'  પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કોંગ્રેસની ૭૫ ટકા પોસ્ટ 'ભારત જોડો યાત્રા'  અંગે જ્યારે માત્ર ૨૦ ટકાથી પણ ઓછી પોસ્ટ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગેની હતી. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય ફેસબૂક પેજ, ટ્વિટર હેન્ડલમાં ૪૦ ટકા પોસ્ટ ગુજરાત વિધાનસભા ચૂંટણીની હતી. ભાજપ દ્વારા ચૂંટણી અંગેની દરરોજની પોસ્ટનું પ્રમાણ ગત સપ્તાહે લગભગ એકસમાન રહ્યું હતું. શુક્રવારે ભાજપ, કોંગ્રેસ, આપ દ્વારા ચૂંટણી અંગે સૌથી ઓછી પોસ્ટ કરવામાં આવી હતી. 
 
સોશિયલ મીડિયામાં સૌથી વધુ સક્રિય રહેવામાં આમ આદમી પાર્ટી મોખરે છે. આમ આદમી પાર્ટીના મુખ્ય સોશિયલ મીડિયામાં કરાતી દર બીજી પોસ્ટ ગુજરાતની ચૂંટણી અંગેની છે. રવિવારે 'આપ'ની ૯૫ ટકા પોસ્ટ ગુજરાતની ચૂંટણી અંગેની હતી. 
 
  
 
છેલ્લા એક સપ્તાહમાં સોશિયલ મીડિયામાં કયો પક્ષ કેટલો સક્રિય? 
 
 કોંગ્રેસ : મુખ્ય હેન્ડલ પરથી કુલ ૨૮૦ ટ્વિટ કરાઇ. આ પૈકી ૪૨ ટકા જ ગુજરાતની ચૂંટણી અંગેની હતી.મુખ્ય ફેસબૂક પેજમાં કુલ ૨૪૨માંથી ૫૩ પોસ્ટ ગુજરાત ચૂંટણીની હતી. ૭૫ ટકા પોસ્ટ ભારત જોડો યાત્રા અંગેની જોવા મળી હતી. 
 
ભાજપે મુખ્ય ટ્વિટર હેન્ડલમાંથી ૪૦ ટકા, મુખ્ય ફેસબૂક પેજમાં ૩૭ ટકા પોસ્ટ ગુજરાત ચૂંટણીની હતી. ટ્વિટરમાં ગુજરાત ચૂંટણી અંગે ૧૨૭ પોસ્ટ જ્યારે ફેસબૂકમાં કુલ ૧૬૯માંથી ૬૩ ટકા પોસ્ટ ગુજરાત ચૂંટણી માટે હતી. 
 
આપ : મુખ્ય ટ્વિટર હેન્ડલમાંથી ૫૦ ટકા, મુખ્ય ફેસબૂક પેજમાંથી ૫૨ ટકા પોસ્ટ ગુજરાત ચૂંટણીની હતી. કુલ ૨૬૦માંથી ૧૩૧ ટ્વિટ, ૧૫૬માંથી ૮૧ પોસ્ટમાં ગુજરાત ચૂંટણીનો ઉલ્લેખ હતો.