1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2022 (18:50 IST)

સોશિયલ મીડિયામાં પબ્લિસિટી સ્ટંટ કરતા IAS અધિકારીને ચૂંટણી પંચે ફરજમુક્ત કર્યા

Photo : Instagram
ગુજરાત આજથી મોટાપાયે ચૂંટણીનો પ્રચાર-પ્રસાર જોરશોરમાં ચાલુ થઈ ગયો છે. પોલિટિકલ પાર્ટીઓ, ઉમેદવારો ઈલેક્શન કેમ્પેઈનમાં તો ચૂંટણી પંચ પણ મતદાન જાગૃતિ કરી રહ્યું છે પરંતુ ચૂંટણી સબંધિત એક અધિકારીને તેને મળેલ જવાબદારીનું સોશિયલ મીડિયામાં શૉ-ઓફ કરવા બદલ ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર ગુજરાત ચૂંટણી માટે ઈલેક્શન કમિશને બાપુનગર અને અસારવા વિધાનસભા માટે નિમેલા ઈલેક્શન ઓબ્ઝર્વરને ફરજમાંથી મુક્ત કર્યા છે. ચૂંટણી પંચના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, IAS અભિષેક સિંહે ઇન્સ્ટાગ્રામ પર "પોતાના પોસ્ટિંગના ફોટા" શેર કર્યા હતા અને પોતાની આધિકારીક સ્થિતિનો ઉપયોગ 'પબ્લિસિટી સ્ટંટ' તરીકે કર્યો છે.
 
ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અભિષેક સિંઘને અમદાવાદમાં બે વિધાનસભા મતવિસ્તારો - બાપુનગર અને અસારવા માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, તેમણે અધિકારીની ઇન્સ્ટા પોસ્ટને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેથી જ તેમને જનરલ ઓબ્ઝર્વરની ફરજોમાંથી આગામી આદેશો સુધી ચૂંટણી સંબંધિત કોઈપણ ફરજમાંથી છુટ્ટા કરવામાં આવે છે.
 
આ સિવાય અધિકારીને આજે જ તાત્કાલિક મતવિસ્તાર છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. નિરીક્ષક ફરજો માટે તેમને આપવામાં આવતી તમામ સરકારી સુવિધાઓનો લાભ પણ હવે નહી મળે. મહત્વનું છે કે સિંહની જગ્યાએ અન્ય IAS અધિકારી ક્રિષ્ન બાજપાઈની આ પદ માટે નિમણૂક કરવામાં આવી છે.