શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જૂન 2018 (12:17 IST)

ગુજરાતમાં શુક્રવાર ગોઝારો સાબિત થયો, સગાઈમાંથી પરત ફરતા અકસ્માત, 7ના મોત 25ને ઈજા

ગઇકાલે મોડી રાત્રે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પુલ પરથી ટ્રક ખાબકી પડતા 7 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે 25થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. તો બીજી બાજુ આ અકસ્માતની થોડીક જ મિનિટોમાં રાજ્યમાં અન્ય જગ્યાએ પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભરૂચ પાસે લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 7થી વધુ લોકોને ઇજા થઇ છે. ભાવનગર જિલ્લાના રંઘોળામાં થયેલ ગમખ્વાર અકસ્માતની શાહી હજી સુકાય નથી ત્યાં અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર 15 ફૂટના પુલ પરથી ટ્રક ખાબકતા 7 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયાં હતા. જ્યારે 25થી વધુ વ્યકતિઓને ઇજા થતા સેવાભાવી સંસ્થાઓ અને તંત્ર દોડતા થયા હતા.ઉનાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાં ગયેલ ટ્રક પરત ફરતીવેળાએ નિંગાળાના પુલ પર થી 15 ફૂટ નીચે ખાબકી હતી. આ દુર્ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો જયારે ઇજાગ્રસ્તોના બચાવ માટે અને ટ્રકની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેઇનની મદદ લેવી પડી હતી. ઘટનાની જાણ તથા સમગ્ર સાધનસામગ્રી સાથે વહીવટી તંત્રે અડધી રાત્રે ખડે પગે થઈ ગયું હતું.નિંગાળા ગામ નજીક ઉના તરફથી મહુવા તરફ જવાના રસ્તે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે ટ્રકમાં સવાર 60થી વધુ લોકો ટ્રક નીચે દબાય જતા ઇજાગ્રસ્તોના મદદ માટેના પોકારથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ તમામ લોકો મહુવા તાલુકાના જાદરા ગામના રહેવાસી છે. જેઓ ઉના તાલુકાના સોખડા ગામે સગાઈના પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે આ ગોઝારો અકસ્માત નડ્યો.અકસ્માતની જાણ થતા 108 ઉપરાંત વિસ્તામાં આવેલી સામાજિક સંસ્થાઓ અને ઔદ્યોગિક કંપનીઓની 8 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. જેની મદદથી તમામ મૃતક અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોની ટીમો સેવા આપવા દોડી આવી હતી.