રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (15:03 IST)

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે દિવસમાં 1.20 કરોડની કિંમતનું એક કિલોથી વધુ ડ્રગ્સ પકડ્યું, ત્રણ આરોપીઓની ધરપકડ

drugs
અમદાવાદ શહેરમાં વિદેશી દારૂ સહિતના માદક દ્વવ્યોની હેરાફેરી હવે બેકાબુ બની ગઈ છે. શહેરમાંથી વારંવાર દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે ફરીવાર શહેરમાં નારોલ અને એસજી હાઈવે પરથી ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. બે દિવસમાં 1.20 કરોડથી વધુ રકમનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નારોલ બ્રિજ પાસે આવેલી શિમલા હોટેલમાંથી તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચીને 521.800 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. ટાઈગર ઘણા સમયથી ઉદયપુરથી આરિફ પઠાણ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં સપ્લાય કરતો હતો. આરીફ અમદાવાદના તૌફિક તથા અન્ય ડ્રગ્સ ડિલરો પાસેથી જ્યારે પણ ડ્રગ્સનો ઓર્ડર મળે ત્યારે તેના ડ્રગ્સ પેડલર સુહેલ અસરફ મંસુરીને ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ મોકલી આપતો હતો. તે અમદાવાદ આવીને હોટેલમાં ચાર પાંચ દિવસ રોકાતો હતો અને આરિફના જણાવ્યા પ્રમાણે અલગ અલગ ડ્રગ્સ ડિલરોને ડ્રગ્સ આપતો હતો. આ ડ્રગ્સના પૈસા તે ઓનલાઈન અથવા તો મની ટ્રાન્સફરથી મેળવતો હતો.

આરોપી તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંચી, ઇમરાનખાન પઠાણ, ઝહીર વોરા દ્વારા ડ્રગ્સના ઓર્ડર આપાયા બાદ આરોપી આરીફ ઉર્ફે દિપુએ રાજસ્થાન ઉદેયપુર ખાતેથી એક કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ સુહેલઅસરફ મંસુરીને મોકલી આપ્યો હતો. સુહેલઅસરફ મંસુરી ઉદેયપુરથી પાચ દિવસ પહેલા અમદાવાદ આવી નારોલ બ્રીજ પાસે આવેલ હોટલ સિમલા ખાતે રોકાયેલ જ્યા આરોપી સુહેલઅસરફ મંસુરીએ તેની પાસેના એક કિલો મેફેડ્રોના જથ્થા માથી આરોપી આરીફ ઉર્ફે દિપુના જણાવ્યા મુજબ ઇમરાનખાન પઠાણ, ઝહીર વોરા, તૌફિક ઉર્ફે ટાઇગરને ડ્રગ્સનો જથ્થો આપેલ. દરમ્યાન ગઈ કાલના રોજ આરોપી સુહેલઅસરફ મંસુરી પાસેથી આરોપી તૌફિક ઉર્ફે ટાઇગર ફરીથી ડ્રગ્સનો જથ્થો લેવા આવતા પકડાઈ ગયો હતો. તેની પાસેથી 52.18 લાખનું ડ્રગ્સ કબજે કરાયું હતું. આરોપી તૌફિક અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયો હતો. તે ઉપરાંત ક્રાઈમ બ્રાંચે જાકીરહુસૈન શેખને 594.800 ગ્રામના 59.48 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે છારોડી પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. આરોપી જાકિરે ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં જણાવ્યું હતું કે, તે તથા તેનો ભાઈ અનવરહુસૈન છ મહિનાથી પાલનપુરના કણોદરથી મનુભાઈ નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ ખરીદીને અમદાવાદમાં જુદા જુદા પેડલરોને આપીને ધંધો કરતા હતાં. રિક્ષામાં દર ત્રણ દિવસે પાલનપુરથી ડ્રગ્સનો જથ્થો મંગાવતા હતાં. આ જથ્થો આરીપી અનવરહુસેન પોતાના ઘરમાં સંતાડી રાખતો હતો અને નાની નાની પડીકી બનાવીને વેચતો હતો. આરોપીનો ભાઈ અનવર હુસૈન રાજસ્થાનમાં જેલમાં હતો ત્યારે મનુભાઈ સાથે મુલાકાત થઈ હતી અને ત્યાં જ બંને જણાએ ડ્રગ્સનો ધંધો કરવાનું નક્કી કર્યું હતું. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા એક મહિનામાં એમડી ડ્રગ્સ, કોકેઈન ગાંજો, નશીલી કફ સિરપ જેવા પદાર્થોનો કુલ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને 9 જેટલા કેસો કરવામાં આવ્યાં છે.