અમદાવાદઃના માધવપુરામાં પિતાને લાફો માર્યાનો બદલો લેવા શખ્સે ત્રિકમના હાથાના ઘા મારી મિત્રની હત્યા કરી
મૃતક અને આરોપી બંને જણા માધવપુરાના રહેવાસી છે અને બંને સામે ગુનાહિત ઈતિહાસ છે
માધવપુરા પોલીસે આરોપી હનિફની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે
શહેરમાં જુની અદાવત રાખીને હત્યા કરી દેવાના ચકચારી બનાવોમાં વધારો થયો છે. સામાન્ય બાબતમાં માણસને રહેંસી નાંખવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે શહેરના માધવપુરા વિસ્તારમાં એક મિત્રએ જ તેના મિત્રને માથામાં ઘા મારીને પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના માધવપુરામાં અબ્દુલ નામનો વ્યક્તિ દધિચી બ્રિજ નીચે ઉભો હતો. આ દરમિયાન મહંમદ હનિફ તેની પાસે આવ્યો હતો અને બોલાચાલી કરી હતી. અબ્દુલે હનિફના પિતાને લાફો માર્યો હતો. જેની અદાવતમાં આરોપી હનિફે ત્રિકમના હાથાથી અબ્દુલના માથામાં ઘા માર્યા હતાં. આ દરમિયાન અબ્દુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બનતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના સમયમાં જ આરોપી હનિફની ધરપકડ કરી લીધી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી હનિફ ગુનાઈત રેકોર્ડ ધરાવે છે.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હનિફ સામે મારામારી અને પ્રોહીબિશન ના 20થી વધુ ગુના નોંધાયા છે.જ્યારે મૃતક અબ્દુલ સામે પણ 6 ગુના નોંધાયા છે. બંન્ને જણા માધવપુરાના રહેવાસી છે. આરોપીના પિતા સાથે કોઈ બાબતે ઝઘડો થતા અબ્દુલે લાફો માર્યો હતો. જેથી હનિફે પિતાનો બદલો લેવા માટે અબ્દુલને માથામાં ત્રિકમના હાથાના ઘા મારી હત્યા કરી દીધી હતી. માધવપુરામાં હત્યા કેસમાં પોલીસે હનીફની ધરપકડ બાદ પૂછપરછ શરૂ કરી છે. આ હત્યા અદાવતમાં થઈ છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.