રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 એપ્રિલ 2021 (16:55 IST)

અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાનો પગપેસારો, કુલ 15 લોકો પોઝિટિવ આવ્યા

રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે અને અમદાવાદમાં હવે કોરોના બેકાબુ બની ગયો છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. ઘી કાંટા મેટ્રો કોર્ટના ચીફ જસ્ટિસ એ.વાય. દવે, એડી. ચીફ જસ્ટિસ સહિત બે જજ અને સ્ટાફ પોઝિટિવ આવ્યા છે. કુલ 15 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં કોર્ટમાં હાહાકાર મચી ગયો છે. રાજયની અન્ય નીચલી કોર્ટમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બંધ રાખવાની ફરજ પડી છે ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ નીચલી કોર્ટ બંધ રાખવામાં આવે અને ઓનલાઇન સુનાવણી થાય તેવી શકયતા રહેલી છે. રાજયમાં કોરોનાના કેસો વધતા કોર્ટ બંધ થયા બાદ તાજેતરમાં જ અમદાવાદમાં નીચલી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. ફરી એકવાર રાજયમાં કોરોનાના કેસો વધતા રાજયના અન્ય શહેરમાં આવેલી કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને 10 એપ્રિલના રોજ અમદાવાદ સહિત રાજયની તમામ કોર્ટમાં યોજાનારી લોકઅદાલત બંધ રાખવા માટે વકીલોએ માગ કરી છે. અમદાવાદ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા ભાવેશ બારોટે હાઇકોર્ટ ચીફ જસ્ટિસ અને મેટ્રો કોર્ટના ચીફ જજને પત્ર લખી માગ કરી છે કે 10 એપ્રિલના રોજ રાજયની તમામ કોર્ટમાં યોજાનારી લોકઅદાલતમાં મોટી સંખ્યામાં લોકો, પક્ષકારો, વકીલો કોર્ટમાં આવશે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે જેથી કોર્ટમાં યોજાનારી લોકઅદાલત બંધ રાખવામાં આવે.  ઉપરાંત રાજયમાં જે રીતે 45 વર્ષથી વધુ લોકોને વેકસીન આપવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે કોર્ટમાં પણ વકીલોને વેકસીન આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. કોર્ટમાં 45 વર્ષથી ઉપરના વકીલોને પણ વેકસીન આપવામાં આવે છે.