મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 જૂન 2021 (16:28 IST)

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘર કંકાસનું કારણ બન્યું, પરિણીતા ઘરે મોડી પહોંચતા સાસરીયા સાથે ઝગડો થયો, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો આક્ષેપ છે કે, લગ્નના ત્રણ માસ પછી તેના સાસરિયાઓ તેનો પગાર લઈ લેતા હતા અને તે જ્યારે નોકરીએ જાય ત્યારે શંકાઓ રાખી તેનો પતિ પીછો કરી તેની હાજરી ચેક કરવા સ્કૂલ ઉપર પહોંચ્યો હતો. એટલું જ નહીં જ્યારે સ્કૂલેથી છૂટીને આ મહિલાને ટ્રાફિકના કારણે ઘરે પહોંચવામાં મોડું થાય તો તેના સાસરિયાઓ તેની પર વહેમ રાખી તેની સાથે ઝઘડો પણ કરતા હતા. આખરે મહિલાએ આ બધા ત્રાસથી કંટાળીને ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

રાયખડમાં રહેતી 29 વર્ષીય યુવતીના વર્ષ 2019માં લગ્ન થયા હતા અને હાલ તે ગોમતિપૂરમાં એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.  લગ્નના ત્રણ માસ બાદથી જ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરિયાઓ આ મહિલા પાસે તેનો પગાર માંગવા લાગ્યા હતાં. તેના પતિએ પણ પગાર ઘરમાં નહિ આપે તો કાઢી મુકશે તેવી ધમકીઓ આપી હતી. જેથી સંસાર ટકાવવા માટે તેણે પગાર સાસરિયાઓને આપવાનું શરૂ કર્યું હતું. મહિલાના દાગીના પણ સાસુએ તેમની પાસે રાખી લઈ પહેરવા આપ્યા ન હતા. સાસરિયાઓ ઓફિસ લેવા માટે મહિલાને પિયરમાંથી 20 લાખ મંગાવતા હતા. તેના પિતા રિટાયર્ડ પ્રિન્સિપાલ હોવાથી સાસરિયાઓએ રૂપિયાની માંગણી શરૂ કરી હતી.જ્યારે આ પરિણીતા સ્કૂલે નોકરીએ જાય ત્યારે તેની હાજરી ચેક કરવા તેનો પતિ ત્યાં જતો હતો. મહિલાનું કોલ લિસ્ટ, વોટ્સએપ, ફેસબુક સહિતના એકાઉન્ટ પણ શંકા રાખી પતિ ચેક કરતો હતો. મહિલાને બાળક કેમ નથી થતા તેમ કહી તેને ગાયનેક ડોકટર પાસે લઈ ગયો હતો. તાજેતરમાં મહિલાને શહેરમાં ભારે ટ્રાફિક હોવાથી ઘરે અવવામાં મોડું થતા શંકાઓ રાખી સાસરિયાઓ તેની સાથે ઝગડો કરી તેના પતિને ચઢામણી કરી હતી.આખરે આ ત્રાસથી કંટાળીને મહિલાએ પોલીસને અરજી આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.