બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (12:48 IST)

ભાજપનાં કાર્યક્રમોમાં અલ્પેશ ઠાકોરની સુચક ગેરહાજરીથી ચર્ચાઓ શરુ થઈ

રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર બાદ અલ્પેશ ઠાકોરે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમોમાં ચોક્કસ હાજરી આપી પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભામાં યોજાયેલી ગાંધી સમાપન યાત્રામાં અલ્પેશ ઠાકોરની ગેરહાજરી ઉડીને આંખે વળગી. અલ્પેશ ઠાકોરના રાણીપ સ્થિત નિવાસ પાસે થી જ ગાંધી સંકલ્પ યાત્રાની સમાપન યાત્રાની શરૂઆત થઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રભારી મંત્રી આર સી ફળદુ, આઈ કે જાડેજા, શંકર ચૌધરી સહિતના દિગગજો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. આ યાત્રામાં અલ્પેશ ઠાકોરના સાથી ધવલસિંહ ઝાલા જોડાયા પણ અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરી જોવા મળી. અત્યાર સુધીના પ્રદેશ ભાજપના કાર્યક્રમોમાં અલ્પેશ ઠાકોરની ગેરહાજરી જોવા મળી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તારની ગાંધી સંકલ્પ યાત્રાના સમાપન માં ગેરહાજરી સૂચક એટલા માટે હતી કારણકે આ યાત્રાની શરૂઆત રાણીપ માં અલ્પેશ ઠાકોરના ઘર પાસેથી થઈ હતી. કોંગ્રેસમાં હતા ત્યાં સુધી અલ્પેશ ઠાકોરને એકલા ચાલવાની ટેવ હતી અને પક્ષ થી દુર રહીને અલ્પેશ ઠાકોરે આંદોલન ચલાવ્યા પણ ભાજપ માં સંગઠન નું મહત્વનું છે ત્યારે સંગઠન ના કાર્યક્રમોમાં ગેરહાજરી મોટો સવાલ ઉભો કરે છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પાંગળો બચાવ કર્યો હતો કે આ ગાંધીનગર લોકસભાની સંકલ્પ યાત્રા હતી અને સકારાત્મકતાથી આ વિષયને જોવો જોઈએ. કોઇ વ્યકિતની ગેરહાજરી ની વાત ધ્યાને ન લેવી જોઈએ. પરંતુ આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિસ્તાર હતો ત્યારે અમદાવાદ માં હોવા છતાં અલ્પેશ ઠાકોરનું હાજર ન રહેવું ચોક્કસ સવાલ ઉભા કરે છે કારણકે આ યાત્રામાં પ્રદેશ ભાજપના તમામ મોટા નેતાઓ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને અલ્પેશના સાથી ધવલસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોરને હંમેશા એકલા ચાલવાની ટેવ રહી છે ત્યારે શું આજે ગેરહાજર રહીને પ્રદેશ ભાજપના નેતાઓ ને મેસેજ આપવાનો પ્રયાસ હતો કે પછી ભાજપના નેતાઓ એ અલ્પેશ ઠાકોર ને આમંત્રણ નહોતું આપ્યું?