શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (13:07 IST)

અમિત શાહ ફરી પધારશે ગુજરાત, રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં પરિવાર સહિત લેશે ભાગ

અમદાવાદમાં શહેરમાં કોરોનાના કારણે ગત વર્ષે ન નીકળી શકેલી રથયાત્રા આ વર્ષે નીકળશે કે કેમ તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 12મી જુલાઈ ને રથયાત્રાના દિવસે ગુજરાતમાં હશે. તેઓ દરવર્ષની માફક આ વર્ષે પણ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પેહલાની મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે. આ આરતીમાં ભાગ લેવા માટે તેઓ 11મી જુલાઈની સાંજે જ અમદાવાદ આવી જશે.

ગઈકાલે જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મામલે જણાવ્યું હતું કે, રથયાત્રા નીકળે તેને લઈ લોકોની આસ્થા જોડાયેલી છે. પોલીસ અધિકારીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક થઈ રહી છે. રથયાત્રા પહેલા કોરોનાની સ્થિતિને ઘ્યાનમાં લેવામાં આવશે. સમગ્ર સ્થિતિ જોઈ અને સરકાર થોડા દિવસમાં નિર્ણય કરશે.

બીજી તરફ ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર ખાતેના રણછોડજી મંદિર ભાણેજના સ્વાગત માટે તૈયાર છે. દર વર્ષની જેમ મામેરું અને ભાણેજનું ભાવભીનું સ્વાગત કરવા મોસાળ ખાતે તૈયારી શરૂ કરાઇ છે. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ અંગે રણછોડજી મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે, અમે અમારી રીતે તૈયારી કરી રહ્યા છે. જગન્નાથ મંદિર તરફથી કે સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. પરંતુ રથયાત્રા નીકળે કે ના નીકળે અમે તૈયારીઓ કરી છે. મામેરું પરંપરાગત રીતે થાય છે તે અને કરીશું.નોંધનીય છે કે આ પહેલા 20મી જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા. તેમણે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.