ભારત ટેક્સીનો વિસ્તાર: ઓલા-ઉબર જેવી કંપનીઓને મળશે મજબૂત પડકાર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આયોજિત સહકાર મંત્રીઓના સંમેલનમાં 'ભારત ટેક્સી' (Bharat Taxi) અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે દેશના પ્રથમ સહકારી આધારિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ 'ભારત ટેક્સી'નો વિસ્તાર હવે દેશના નાના શહેરો અને ગામડાઓ સુધી કરવામાં આવશે. શાહે માહિતી આપી હતી કે આ પ્લેટફોર્મના આવવાથી અન્ય ખાનગી ટેક્સી એગ્રીગેટર્સે તેમના ભાડામાં 30% સુધીનો ઘટાડો કર્યો છે. આ મોડલની વિશેષતા એ છે કે તેમાં ડ્રાઈવર (સારથી) પોતે જ માલિક અને શેરધારક છે, જેનાથી તેમનું શોષણ અટકશે અને આવકમાં વધારો થશે.
કારીગરો અને છૂટક મજૂરો માટે બનશે નવી સહકારી મંડળીઓ
સંમેલન દરમિયાન અમિત શાહે એક મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, આગામી દિવસોમાં સરકાર છૂટક મજૂરી કરનારા લોકો, સુથાર (Carpenters), પ્લમ્બર અને ઈલેક્ટ્રિશિયન માટે પણ સહકારી મંડળીઓ બનાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં કામ કરતા લોકોનું અવારનવાર શોષણ થાય છે, પરંતુ સહકારી સંસ્થા બનવાથી તેમને તેમના કામની સન્માનજનક રકમ મળશે. સરકારનું લક્ષ્ય છે કે આગામી સમયમાં દેશની 40 ટકાથી વધુ વસ્તી સહકાર સાથે જોડાઈ જાય, જેથી અસંગઠિત ક્ષેત્રના કામદારોને આર્થિક સુરક્ષા મળી શકે.
2047 સુધીમાં વિકસિત ભારત અને સહકારિતાનું લક્ષ્ય
અમિત શાહે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'સહકારથી સમૃદ્ધિ'નો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને એક પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો અર્થ માત્ર અર્થતંત્રના આંકડા નથી, પરંતુ દેશના 140 કરોડ લોકો સન્માન સાથે જીવે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો છે. શાહના મતે, સહકારિતા જ એકમાત્ર એવું માધ્યમ છે જે ખેડૂતો, મહિલાઓ, પશુપાલકો અને ગરીબ મજૂરોને આત્મનિર્ભર બનાવી શકે છે. છેલ્લા ચાર વર્ષમાં સહકારી ક્ષેત્રને વૈજ્ઞાનિક રીતે મજબૂત કરવામાં આવ્યું છે, જેના સકારાત્મક પરિણામો હવે દેખાઈ રહ્યા છે.
રાજ્યોને ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપવા નિર્દેશ
ગૃહમંત્રીએ રાજ્યોના સહકાર મંત્રીઓને અપીલ કરી હતી કે તેઓ પોતપોતાના રાજ્યોમાં ચાર મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકે: અન્ન ભંડારણ (Food Storage), સર્ક્યુલારિટી, ઈન્સ્યોરન્સ (વીમો) અને 'કો-ઓપરેશન અમોંગ્સ કો-ઓપરેટિવ્સ' (સહકારી સંસ્થાઓ વચ્ચે સહયોગ). તેમણે કહ્યું કે જો રાજ્યો આ ક્ષેત્રોમાં સક્રિયતા બતાવશે, તો દરેક પરિવાર અને દરેક વ્યક્તિને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી શકાશે. સરકારનું વિઝન છે કે સહકાર દ્વારા છેવાડાના માનવી સુધી લાભ પહોંચે અને દરેક નાગરિકને સન્માનજનક જીવન જીવવાની તક મળે.