ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 14 માર્ચ 2022 (14:53 IST)

કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોષીયારાનું 69ની વયે અવસાન, બે મહિનાથી હતા કોરોના સંક્રમિત

બે મહિનાથી કોરોના સંક્રમિત પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થયું છે. આમ ડો.આશાબેન પટેલ બાદ વધુ એક ધારાસભ્યની વિદાય થઈ છે.ડો.અનિલ જોષીયારાને એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા.

આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.24 એપ્રિલ 1953ના રોજ જન્મેલા ડૉ.અનિલ જોશીયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા, તેઓએ 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ડૉ.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે. ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.