મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (00:40 IST)

ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીએ દમ તોડ્યો, આણંદમાં નર્સિંગના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત

gujarat heart attack
gujarat heart attack
રાજ્યમાં હાર્ટ એટેકથી અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે આણંદ તાલુકાના બાકરોલ સ્થિત કોલેજમાં નર્સિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતા 20 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે, જનરલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીની સુવિધા જ ન હોવાથી વિદ્યાર્થીને કરમસદની હોસ્પિટલમાં રીફર કરવા માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ આ વિદ્યાર્થીએ દમ તોડ્યો હતો.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ગામનો 20 વર્ષીય પીયૂષ ચૌહાણ નામનો યુવક છેલ્લાં બે વર્ષથી આણંદ તાલુકાના બાકરોલ સ્થિત વિનાયકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો હતો. આ પીયૂષ ચૌહાણ ગત રોજ હોસ્ટેલમાં હાજર હતો. તે વખતે અચાનક તેને છાતીમાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો. પીયૂષે આ અંગેની જાણ પોતાના મિત્રોને કરી હતી. જેથી મિત્રો તુરંત જ તેને રિક્ષામાં બેસાડીને આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા પીયૂષને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ આ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી સહિતની અન્ય જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટની સુવિધા ન હોવાને કારણે તેને વધુ સારવાર અર્થે કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જોકે, કરમસદ હોસ્પિટલમાં પહોંચતા પહેલાં જ આ પીયૂષે દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે પીયૂષનાં પરિવારજનો તેમજ વિદ્યાર્થી આલમમાં ભારે શોક વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આણંદની જનરલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીની સુવિધા હોત તો કદાચ વિદ્યાર્થીનો જીવ બચી શકતો.